Shantishram News, Diyodar, Gujarat.
મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના પાંચ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘‘પાંચ વર્ષ આપણી સરકારના,
સૌના સાથથી, સૌના વિકાસના’’ હેઠળ છેલ્લા પાંચ દિવસથી તા.૧ લી ઓગષ્ટથી સમગ્ર રાજ્યમાં જનકલ્યાણ અને લોકહિતના અનેકવિધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.
જે અંતર્ગત આજે તા. ૫ મી ઓગષ્ટના રોજ ભાભર ખાતે નર્મદા અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના રાજ્ય મંત્રીશ્રી યોગેશભાઇ પટેલના અધ્યક્ષસ્થાને કિસના સન્માન દિવસ અંતર્ગત જિલ્લાકક્ષાનો કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે કચ્છ ખાતેથી મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના ૪,૦૦૦ ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.
જેમાં બનાસકાંઠા જિલ્લાના ચાર તાલુકાઓમાં કિસાન સૂર્યોદય યોજનાનો વર્ચ્યુઅલી પ્રારંભ કરાવ્યો હતો.
આ યોજના શરૂ થવાથી જિલ્લાના અમીરગઢ, ડીસા, કાંકરેજ અને ભાભર તાલુકાના ૧૮૪૫ ખેડુતોને સિંચાઇ માટે આજથી દિવસે વીજળી મળશે.
આ પ્રસંગે મંત્રીશ્રી યોગેશભાઇ પટેલે જણાવ્યું કે, મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલના નેતૃત્વની રાજ્ય સરકારના સુશાસનના પાંચ વર્ષ પૂર્ણ થઇ રહ્યાં છે.
તેમણે કહ્યું કે, ભૂતકાળમાં બનાસકાંઠા જિલ્લા સહિત ઉત્તર ગુજરાતનો આ વિસ્તાર સૂકો ભઠ્ઠ હતો. હવે નર્મદાના નીર આવવાથી લીલીછમ્મ હરીયાળી પથરાઇ છે અને ખેડુતોની આવક અને સુખાકારીમાં નોંધપાત્ર વધારો થયો છે.
તેમણે કહ્યું કે, મગફળી, કપાસ અને જીરૂ સહિત ઘણાં બધા પાકોના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર દેશમાં મોખરે છે.
બનાસકાંઠા જિલ્લાના ઘણાં પ્રગતિશીલ ખેડુતોની આગવી કોઠાસૂઝ અને મહેનતના પરિણામે આ જિલ્લાના ખેડુતોએ કૃષિ અને પશુપાલન ક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે.
તેમણે કહ્યું કે, ડીસા બટાકાના હબ તરીકે સમગ્ર દેશમાં પ્રખ્યાત છે,
દાડમ, પપૈયા અને ખારેક જેવા બાગાયતી પાકોનું વાવેતર આ જિલ્લામાં વિપુલ પ્રમાણમાં થાય છે.
બનાસકાંઠાના ખેડુતો વર્ષે રૂ. ૬૦૦ કરોડની દાડમની નિકાસ કરે છે.
ભૂતકાળમાં પછાત ગણાતા બનાસકાંઠા જિલ્લાએ હવે રાજય, રાષ્ટ્ર અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ જવલંત સિધ્ધિઓ પ્રાપ્ત કરી છે તેમ તેમણે જણાવ્યું હતું.
મંત્રીશ્રી યોગેશભાઇ પટેલે કહ્યું કે, આ સરકારે ખેડુતોની આવક બમણી કરવા અનેક કિસાન હિતલક્ષી નિર્ણયો લીધા છે.
કિસાન સૂર્યોદય યોજના હેઠળ વર્ષ-૨૦૨૨ સુધીમાં રાજ્યના તમામ ખેડુતોને દિવસે વીજળી મળશે.
તેમણે કહ્યું કે, પ્રધાનમંત્રી કિસાન સમાન નિધિ યોજનામાં દર વર્ષે ખેડુતોના ખાતામાં રૂ. ૬૦૦૦ જમા કરાવવામાં આવે છે. આ યોજનામાં રાજ્યમાં સૌથી વધુ બનાસકાંઠા જિલ્લામાં ૪,૫૬,૭૭૮ ખેડૂતનો લાભ આપવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે, છેલ્લા પાંચ વર્ષમાં આવેલી કુદરતી આફતોના સમયે આ સરકાર ખેડુતોના પડખે ઉભી રહી ઉદાર હાથે સહાય આપી છે. તેમણે કહ્યું કે, ખેડુતોને સિંચાઇ માટે વીજ જોડાણ ઝડપથી મળે તે માટે અસરકારક કામગીરી કરવામાં આવી છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં ૫,૮૮,૩૯૭ ખેતી વિષયક વીજ જોડાણો આપવામાં આવ્યા છે.
જેમાં બનાસકાંઠા જિલ્લામાં ૩૪,૬૭૨ ખેતીવાડી વીજ જોડાણ અપાયા છે. ખેડુતોને પુરતા પ્રમાણમાં વીજળી મળે તે માટે છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યમાં કુલ ૪૫૭ નવા સબ સ્ટેશનો કાર્યાન્વિત કરવામાં આવ્યા છે.
જે પૈકી બનાસકાંઠા જિલ્લામાં કુલ ૧૨૦ કરોડના ખર્ચે ૨૮ નવા ૬૬ કે. વી. સબ સ્ટેશનો કાર્યાન્વિત કરવામાં આવ્યા છે.
આમ ખેડુતોની સુખ, સુમૃધ્ધિમાં વધારો કરવા તથા ખેતીને આધુનિક બનાવવા આ સરકારે અનેકવિધ પગલાં લીધા છે તેમ તેમણે જણાવ્યું હતું.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે કૃષિ વિભાગની સાત પગલાં ખેડુત કલ્યાણના યોજના અંતર્ગત ખેતીના ઓજારો માટેના મંજુરીપત્રો, શાકભાજી વેચનારા લાભાર્થીઓને વિનામૂલ્યે છત્રી, સ્માર્ટ હેન્ડ ટુલ કીટ, કિસાન પરિવહન યોજનાના લાભાર્થી ખેડુતોને પૂર્વ મંજુરીના હુકમો તથા પ્રગતિશીલ ખેડુતોને સરદાર પટેલ કૃષિ સંશોધન એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતાં. પ્રારંભમાં યુ.જી.વી.સી.એલ. ના વિશેષ મુખ્ય ઇજનેરશ્રી એલ. એ. ગઢવીએ સ્વાગત પ્રવચન કર્યુ હતું.
કાર્યક્રમમાં કલેકટરશ્રી આનંદ પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી સ્વપ્નીલ ખરે, અગ્રણીઓ સર્વશ્રી નૌકાબેન પ્રજાપતિ, કનુભાઇ વ્યાસ, ટી. પી. રાજપૂત, હરીભાઇ આચાર્ય, લહેરાજી ઠાકોર, અમથુજી ઠાકોર, લાલજીભાઇ ચૌધરી, અમરતજી માળી, જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી પી. કે. પટેલ, સૂઇગામ પ્રાંત અધિકારીશ્રી નવલદાન ગઢવી સહિત અધિકારીઓ, અગ્રણીઓ અને સારી સંખ્યામાં ખેડુત લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને કેસ ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268