વડોદરા શહેરની આફમી ચેરીટેબલ ટ્રસ્ટના ઓથા હેઠળ વિદેશથી હવાલા મારફતે મળતાં કરોડો રૂપિયાના ફંડનો દેશભરમાં CAA વિરોધી આંદોલનો ભડકાવવા માટે તથા કોમી તોફાનોમાં પકડાયેલા કટ્ટરપંથીઓને છોડાવવા માટે અને લોકોના બ્રેઈન વૉશ કરીને ધર્માન્તર માટે ઉપયોગ કરવાના વડોદરાથી ઓપરેટ થતાં ષડયંત્રમાં વડોદરાના દેશદ્રોહી સલાઉદિન શેખ અને તેની સિન્ડીકેટ સામે ઉત્તર પ્રદેશ પછી વડોદરામાં બીજી એફ.આઈ.આર. દાખલ થઈ છે.
જે એફ.આઈ.આર.માં પોલીસે સત્તાવાર રીતે જાહેર કર્યુ છે કે, વર્ષ 2017થી સલાઉદ્દિને આફમી ચેરીટેબલ ટ્રસ્ટના FCRA એકાઉન્ટમાંથી રૂ. 19,03,60,449 અને દુબઈથી હવાલા મારફતે પ્રાપ્ત થયેલાં રૂ. 5.45 કરોડ મળીને રૂ. 24,48,60,449 ધર્માંતર અને ગુજરાત તથા અન્ય રાજયોમાં મસ્જિદો બનાવવા પાછળ વાપર્યાં છે. જયારે CAA વિરોધી આંદોલન ભડકાવવા માટે રૂ. 59 લાખ વાપર્યા હોવાનો હિસાબ પોલીસને મળ્યો છે.
ઉત્તર પ્રદેશ ક્રાઈમ બ્રાન્ચે વડોદરામાં પાડેલા દરોડા પછી સક્રીય થયેલા સ્પેશિયલ ઓપરેશન ગૃપે છેલ્લા 45 દિવસની તપાસમાં દુબઈથી આવેલા હવાલા અને આફમી ચેરીટેબલ ટ્રસ્ટ માટે ઉઘરાવાયેલા લગભગ રૂ. 25 કરોડના ગોટાળાવાળા હિસાબોનો કાચો ચિઠ્ઠો તૈયાર કર્યો છે. અત્યંત સંવેદનશીલ પ્રકરણના સીલસીલામાં તપાસ કરવા માટે પોલીસ કમિશનરે એક મદદનીશ પોલીસ કમિશનર, બે પી.આઈ. અને 03 પી.એસ.આઈ.ની સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ બનાવી છે.
ધર્માન્તરણ મામલે જે ટ્રસ્ટનો ઉપયોગ કરાયો છે તેવા આફમી ચેરીટેબલ ટ્રસ્ટનું વર્ષ 2001માં રજિસ્ટ્રેશન થયુ હતુ. વર્ષ 2017માં કટ્ટરપંથી સલાઉદ્દિન શેખે આ ટ્રસ્ટનો વહિવટ સંભાળી લીધો હતો. ત્યાર પછી દેશ વિદેશમાંથી વિવિધ મુસ્લીમ સંગઠનો અને હવાલાથી કરોડો રુપીયાનું ફંડ ટ્રસ્ટમાં આવતુ હતુ.
ઉત્તર પ્રદેશ ક્રાઈમ બ્રાન્ચે ગઈ તા. 1લી જુલાઈ 2021ના રોજ ગુજરાત એ.ટી.એસ.ની મદદથી વડોદરામાં રહેતાં મુસ્લીમ મેડીકલ સેન્ટરના ટ્રસ્ટી સલાઉદ્દિન શેખ (રહે, કૃષ્ણદિપ એપાર્ટમેન્ટ, ફતેગંજ)ની ધરપકડ કરતાં આ ચોંકાવનારા ષડયંત્રનો પર્દાફાશ થયો હતો. ત્યાર પછી વડોદરા એસ.ઓ.જી.એ સલાઉદ્દિન શેખ જે ટ્રસ્ટમાં સક્રીય હતો તે ટ્રસ્ટના હિસાબો અને વહિવટની તપાસ શરુ કરી હતી.
આ પૈકીના આફમી ચેરીટેબલ ટ્રસ્ટમાં વર્ષ 2017થી લઈને 2021 સુધી કરોડો રુપીયાનું ફંડ મળ્યુ હતુ. જેનો ઉપયોગ ટ્રસ્ટના ઉદેશની વિરુધ્ધમાં ધર્માતર પાછળ કરાયો હોવાનું સપાટી ઉપર આવ્યુ છે. પોલીસ કમિશનર ડૉ. સમશેર સિંઘના આદેશથી એસ.ઓ.જી.ના અધિકારીએ સરકાર તરફે ક્રાઈમ બ્રાન્ચના દફતરે સલાઉદ્દિન શેખ, મહંમદ ઉમર ગૌતમ તથા બીજા નકાબ પાછળ છુપાયેલાં ચહેરાઓ સામે આઈ.પી.સી. 153(એ),201, 406,467,471,120 (બી) અને 114 પ્રમાણે એફ.આઈ.આર. નોંધીને તપાસ શરુ કરી છે.
સલાઉદ્દિન શેખે મધ્ય ગુજરાતમાં પણ વિવિધ ધર્મ જાતીના નાગરીકોનું બ્રેઈન વૉશ કરીને ધર્માંતર કરાવ્યુ હોવાની વિગતો પોલીસની તપાસમાં સપાટી ઉપર આવી છે. જે લોકોનુ ધર્માંતરણ કરાયુ છે તેમની પોલીસે તપાસ શરુ કરી છે અને આ લોકોનું લોકેશન મળતાં નિવેદન નોંધવાની પણ તજવીજ કરાશે તેમ જાણવા મળ્યુ છે. લૉક ડાઉન દરમીયાન પણ આ ગેરકાનૂની પ્રવૃત્તીઓ ચાલુ રાખવામાં આવી હોવાનું તપાસ અધિકારીના ધ્યાન ઉપર આવ્યુ છે. આ કેસની તપાસ માટે બનાવાયેલી સ્પેશીયલ ઈન્વેસ્ટીગેશન ટીમ વિવિધ થીયરી ઉપર છાનબીન કરી રહી છે.
વડોદરા પોલીસની તપાસમાં બહાર આવેલી વિગતો પ્રમાણે સલાઉદ્દિન શેખ વિવિધ શહેરના અનાજ કરીયાણા સહીતના વેપારીઓ પાસેથી બોગસ બીલ મેળવતો હતો. જેની સામે ચેકથી પેમેન્ટ કરતો હતો અને પછી રોકડામાં આ પૈસા પાછા લઈ લેતો હતો. વેપારીઓ અને એજન્સીઓ પાસેથી રોકડામાં લીધેલી રકમનો સિટીઝન એમેન્ડમેન્ટ એકટ ઝ્રછછના કાયદા વિરોધમાં દેશભરમાં ચાલી રહેલાં વિરોધ પ્રદર્શન તથા કોમી તોફાનોમાં પકડાયેલાં ભાંગફોડીયા તત્વોને છોડાવા પાછળ ઉપયોગ કરાતો હતો.
માસ્ટર માઈન્ડ સલાઉદ્દિન શેખ અને તેનો સાગરીત મહંમદ ઉમર ગૌતમ હાલમાં ઉત્તર પ્રદેશની જેલમાં છે. વડોદરા પોલીસ હાલમાં કેસના સીલસીલામાં પુરાવાઓ એકત્રીત કરી રહી છે. પ્રાથમીક તપાસ બાદ આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરીને વડોદરા ખાતે લાવવામાં આવશે તેમ જાણવા મળ્યુ છે.
સરકાર તરફે નોંધાવાયેલી મૂળ ફરીયાદમાં આઈ.પી.સી. 201 એટલે કે પુરાવાનો નાશ કરવાની કલમ પણ લગાડવામાં આવી છે. આ કલમ કેમ લગાવાઈ તે દિશામાં તપાસ કરતાં એવુ સામે આવ્યુ છે કે, માસ્ટર માઈન્ડ સલાઉદ્દિને હિસાબો રફેદફે કરવા માટે કોમ્પ્યુટર તથા પેન ડ્રાઈવનો નાશ કર્યો છે. નાશ કરેલા કોમ્પ્યુટરમાં શું હિસાબો હતા અથવા કયા રહસ્યોનો નાશ કર્યો છે તે સલાઉદ્દિનને વડોદરા ખાતે તપાસ અર્થે લઈ આવ્યા પછી જ ખબર પડશે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268