પાલનપુર ચિલ્ડ્રન હોમ ખાતે કલેકટરશ્રીએ અનાથ બાળકોને ફટાકડા અને મીઠાઇ તથા યોજનાના હુકમોનું વિતરણ કર્યુ
પાલક માતા-પિતા યોજનાના અમલીકરણમાં
બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને છે
રાજય સરકારશ્રીના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અંતર્ગતના નિયામકશ્રી સમાજ સુરક્ષા ખાતા હસ્તકની પાલક માતા- પિતા યોજના અંતર્ગત ૦ થી ૧૮ વર્ષના જે બાળકના માતા- પિતા મૃત્યુ પામ્યા હોય અને બાળક અનાથ થઇ ગયું હોય તેવા બાળકને અથવા
બાળકના પિતાશ્રી મૃત્યુ પામ્યા હોય અને બાળકની માતાએ બીજે પુન : લગ્ન કર્યા હોય અને બાળક અનાથ થઇ ગયું હોય ત્યારે આવુ બાળક તેના નજીકના સગા સબંધી પાસે રહીને અભ્યાસ કરતુ હોય તો
આવા બાળકને પાલક માતા પિતા યોજના અંતર્ગત દર મહિને રૂ.૩૦૦૦/-ની આર્થિક સહાય આપવામાં આવે છે.
આ યોજનાનો અસરકારક અમલ થાય અને અનાથ બાળકોના જીવનમાં ઉજાસ પાથરવાના આશયથી બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને તા. ૮ ઓક્ટોબર-૨૦૨૦ના રોજ એક બેઠક યોજાઇ હતી.
જેમાં અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ સરળતાથી મળી રહે તે માટે ઝુંબેશ ચલાવવા જણાવાયું હતું.
આ ઝુંબેશના ફળ સ્વરૂપે આજે જિલ્લાના ૧૦૨ અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ મળ્યો છે.
પાલનપુર ચિલ્ડ્રન હોમ ખાતે કલેકટરશ્રી આનંદ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલ કાર્યક્રમમાં અનાથ બાળકોને ફટાકડા અને મીઠાઇ તથા પાલક માતા-પિતા યોજનાના હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે કલેકટરશ્રી આનંદ પટેલે દિવાળીની શુભેચ્છા પાઠવતાં જણાવ્યું કે, નવરાત્રિ પર્વ નિમિત્તે માતૃશક્તિ આરાધનાના પ્રસંગે જિલ્લામાં ૩,૦૦૦ થી વધુ વિધવા બહેનોને વિધવા સહાયના હુકમ એનાયત કરવામાં આવ્યા હતાં.
તેવી જ રીતે દિવાળીનું પ્રકાશનું પર્વ અનાથ બાળકોના જીવનમાં નવો પ્રકાશ લાવે તે માટે આજે ધનતેરશના પાવન દિવસે જિલ્લામાં વિવિધ જગ્યાએ ૧૦૨ અનાથ બાળકોને પાલક માતા-પિતા યોજનાનો લાભ આપવામાં આવ્યો છે.
કલેકટરશ્રીએ કહ્યું કે, અનાથ બાળકોને ઉછેરી તેમનામાં સંસ્કાર અને શિક્ષણનું સિંચન કરનાર પાલક માતા-પિતાને હું નમન કરું છું.
તેમણે કહ્યું કે, આ ઝુંબેશમાં શિક્ષણ વિભાગના અધિકારીઓ, જિલ્લાના પ્રાથમિક, માધ્યમિક શિક્ષકો અને આંગણવાડી કાર્યકર તેમજ શિક્ષણના હોદ્દેદારો તથા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની સમગ્ર ટીમ અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી આ ઝુંબેશમાં જોડાઇ માનવતાના આ મહાકાર્યને મહેકાવા માટે ફાળો આપ્યો છે તેમને અભિનંદન પાઠવું છું.
આ યોજનાનો લાભ મેળવનાર બાળકો સારું શિક્ષણ મેળવી ભવિષ્યમાં સમાજમાં મોભાદાર સ્થાન પ્રાપ્ત કરી શક્તિશાળી રાષ્ટ્ર નિર્માણના સહભાગી બને તેવી શુભેચ્છા તેમણે વ્યક્ત કરી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લામાં પાલક માતા પિતા યોજનામાં કુલ- ૧૪૦૯ અનાથ બાળકો પાલક માતા-પિતા યોજનાનો લાભ લઇ રહ્યા છે.
પાલક માતા-પિતા યોજનાના અમલીકરણમાં બનાસકાંઠા જિલ્લો સમગ્ર રાજયમાં પ્રથમ સ્થાને છે.
આ પ્રસંગે બાળ કલ્યાણ સમિતિના ચેરમેનશ્રી સુભાષભાઇ સોનેરી તથા તમામ સભ્યો, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી નરેન્દ્રસિંગ ચાવડા, નાયબ જિ. પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી મુકેશભાઇ ચાવડા, મામલતદારશ્રી કમલભાઇ ચૌધરી અને શ્રી એલ. ડી. પરમાર, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી એમ. કે. જોષી, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી ર્ડા. એન. વી. મેણાત, સંવેદના ટ્રસ્ટના પ્રમુખ શ્રીમતી શિલ્પાબેન વૈષ્ણવ સહિત સંબંધિત અધિકારીઓ- કર્મચારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
Palanpur, collector, aanand patel, children home