પાલનપુર મુકામે પ્રભારી સચિવશ્રી વિજય નહેરાના અધ્યક્ષસ્થાને કોવિડ-૧૯ સંદર્ભે સમીક્ષા બેઠક યોજાઇ. PALANPUR BANASKANTHA:
(માહિતી બ્યુરો,પાલનપુર)
કોવિડ-૧૯ કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ (GUJARAT CM VIJAY RUPANI ) બનાસકાંઠા BANASKANTHA જિલ્લાની વિશેષ કાળજી લઇ સચિવ કક્ષાના સિનિયર ઓફિસર અને જિલ્લાના પ્રભારી સચિવશ્રી વિજય નહેરાને જવાબદારી સોંપી છે.
ત્યારે પ્રભારી સચિવશ્રી વિજય નહેરાએ આજે પાલનપુરની જામપુરા પ્રાથમિક શાળા, ડીસા અર્બન હેલ્થ સેન્ટર અને ડીસા તાલુકાના માલગઢ ગામના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાર્યરત કોવિડ-૧૯ વેક્શીન સેન્ટરની મુલાકાત લઇ વેક્શીનેશન સો ટકા પૂર્ણ કરવા જણાવ્યું હતું.
પાલનપુર મુકામે પ્રભારી સચિવશ્રી વિજય નહેરાના અધ્યક્ષસ્થાને કોવિડ-૧૯ સંદર્ભે અધિકારીઓ સાથે યોજાયેલ સમીક્ષા બેઠકમાં કોરોનાની જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિ તથા કરવામાં આવતી કામગીરી અંગે માહિતી મેળવી હતી.
બનાસકાંઠા જિલ્લામાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં રહે તે માટે તેમણે અધિકારીઓને જરૂરી માર્ગદર્શન અને સુચના આપી હતી.
કોવિડ-૧૯ COVID-19 અંતર્ગત જિલ્લામાં કરવામાં આવેલ કામગીરીની સચિવશ્રી વિજય નહેરાએ સરાહના કરતાં જણાવ્યું કે, બનાસકાંઠા (BANASKANTH COLLECTOR) કલેકટરશ્રી આનંદ પટેલના વડપણ હેઠળની ટીમે કોરોના સમયમાં ખુબ સરસ કામગીરી કરી છે.
તેમણે કહ્યું કે, અત્યારે સિનિયર સીટીઝનોને વેક્શીન આપવાનું ચાલી રહ્યું છે. આગામી તા.૧ લી એપ્રિલ-૨૦૨૧ થી ૪૫ વર્ષ ઉપરના નારગિકોનું વેક્શિનેશન vaccination શરૂ થવાનું છે ત્યારે અત્યારથી માઇક્રોપ્લાનીંગ કરી
તા.૧૦ એપ્રિલ સુધીમાં ૪૫ વર્ષ ઉપરના તમામ નાગરિકોનું વેક્શિનેશન પૂર્ણ કરી વિવિધ કચેરીઓમાં કામ કરતા સરકારી અને આઉટસોર્સના કર્મચારીઓને પણ રસીકરણમાં આવરી લઇએ.
જે સ્થળ પર વેક્શીન આપવામાં આવે છે તેની લોકોને અગાઉથી જાણ કરી એકપણ વ્યક્તિ વેક્શીનેશન લીધા વિના ન રહે તેવી રીતે કામગીરી કરીએ. તેમણે બનાસકાંઠા જિલ્લામાં કાર્યરત સરકારી અને પ્રાઇવેટ કોવિડ હોસ્પીટલો સહિત બેડ, વેન્ટીલેટર, કોવિડ ટેસ્ટ અને રિપોર્ટનું પ્રમાણ વગેરે અંગે માહિતી મેળવી આર.ટી.પી.સી.આર. રિપોર્ટ વધારવા પર ભાર મુક્યો હતો.
સચિવશ્રીએ કહ્યું કે, પોઝીટીવ દર્દીના સંપર્કમાં આવેલા લોકોનું કોન્ટેન્ટ ટ્રેસીંગ કરી તેમનો આર.ટી.પી.સી.આર. રિપોર્ટ કરવામાં આવે તથા
જે પણ લોકોના રેપિડ અથવા એન્ટીજન ટેસ્ટ કરવામાં આવ્યા છે અને તેમના રિપોર્ટ નેગેટીવ આવ્યા છે પરંતું શંકાસ્પદ લક્ષણો જણાતા હોય તો આર.ટી.પી.સી.આર. ટેસ્ટ જરૂર કરાવીએ.
આંતરરાજય બોર્ડર પર કરવામા આવતું સ્ક્રિનીંગ અને ટેસ્ટીંગ સઘન બનાવવા તેમણે જણાવ્યું હતું. તેમણે કહ્યું કે, કોરોના સારવાર માટે ખાનગી હોસ્પીટલો દ્વારા મંજુરી માંગવામાં આવે ત્યારે તાત્કાલીક મંજુરી આપી જિલ્લામાં સારવારની સુવિધાઓ વધારીએ.
લોકો ઘરની બહાર નિકળે ત્યારે ફરજીયાત માસ્ક પહેરે તેની ઝુંબેશ ચલાવવા તેમણે સુચના આપી હતી.
બનાસકાંઠા કલેકટરશ્રી આનંદ પટેલે કોરોના સંદર્ભે સમગ્ર જિલ્લામાં હાથ ધરવામાં આવેલ કામગીરીની વિગતો જણાવી હતી.
તેમણે કહ્યું કે પાલનપુર ખાતે બનાસ મેડીકલ કોલેજ સંચાલિત સીવીલ કોવિડ હોસ્પીટલ તરીકે કાર્યરત છે.
જિલ્લાના તમામ સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આવતા દર્દીઓ પૈકી શંકાસ્પદ લાગતા હોય તેવા દર્દીઓને અલગ તારવી કોવિડ ટેસ્ટ કરવામાં આવે છે.
પાલનપુર અને ડીસા શહેરમાં ફરીથી ધન્વંતરી રથ શરૂ કરવામાં આવ્યા છે,
જે લોકોને ઘરે ઘરે જઇ સારવાર આપે છે.
તેમણે કહ્યું કે, ગઇકાલે જિલ્લામાં ૨૪ કોરોના પોઝીટીવ કેસ આવ્યા છે. જે પૈકી ૧૩ પોઝીટીવ દર્દીઓ પાલનપુર સીવીલમાં સારવાર લઇ રહ્યાં છે.
બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી અજય દહીયા, પોલીસ અધિક્ષકશ્રી તરૂણ દુગ્ગલ, નિવાસી અધિક કલેકટરશ્રી એ. ટી. પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી આર. વી. વાળા, પ્રાંત અધિકારીશ્રી એસ. ડી. ગિલવા,
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ર્ડા. દવે, પાલનપુર સીવીલ સર્જનશ્રી ર્ડા. ભરત મિસ્ત્રી, ર્ડા. એન. કે. ગર્ગ, ર્ડા. જીગ્નેશ હરીયાણી સહિત અધિકારીઓ અને તબીબો ઉપસ્થિત રહ્યાં હતાં.