પાટણથી ચાણસ્મા મુખ્ય હાઈવે રસ્તા ઉપર વરસાદના કારણે ધોવાણ થતા ઠેર ઠેર રસ્તા ઉપર મોટા ખાડાઓ પડી જતા તેમજ કપચીઓ ઉખડી રસ્તા ઉપર પથરાયેલ હોય પસાર થતા વાહન ચાલકોને ખાડાઓમાંથી પટકાઈને જ પસાર થવાનો વારો આવ્યો છે. રસ્તા ઉપર મોટા ખાડાઓ હોય વાહનો પટકાતા ચાલકોની કમર તૂટી રહી હોય ઉપરાંત સાધનોને નુક્સાન થઈ રહ્યું છે. પાટણથી મહેસાણા જવાનો મુખ્ય માર્ગ હોય પાટણ થી ચાણસ્મા સુધી અવરજવર કરતા બસ સહિતના મોટા વાહનો રાત્રી દરમિયાન ખાડામાં પટકાતા સ્ટીયરીંગ ઉપરના કાબુ ચાલકો ગુમાવી રહ્યા છે.
રોજ અપડાઉન કરતા પાટણના એક ચાલક સ્નેહલ પટેલે જણાવ્યું હતુ કે 20 કિમીના આ રોડ પર અંદાજે 60 થી વધુ નાના મોટા ખાડાઓ પડેલા હોય વરસાદી માહોલમાં અકસ્માતો પણ બની રહ્યા છે. જેથી તંત્ર દ્વારા સત્વરે ખાડાઓનું રિપેરિંગ કામ હાથ ધરાય તો જીવલેણ અકસ્માતો પણ બનવાની સંભાવના જોવા મળી રહી છે.
કારચાલક ચેતન પ્રજાપતિએ જણાવ્યું કે પાટણ-ચાણસ્મા હાઈવે ઉપર ખીમિયાણાથી વાવડી વચ્ચે તળાવ નજીકના રોડ ઉપર પાટણથી ચાણસ્મા જતી સાઈડનો રોડ બિસમાર હાલતમાં હોય વાહન ચાલકને રોંગ સાઈડમાં ચાલવાની ફરજ પડતી હોય છે તે રાત્રિ દરમિયાન મોટો અકસ્માત સર્જી શકે છે. આ રોડ ઉપર મોટાભાગના લોકો વાહનને નુકસાન ના પહોંચે તેને લઈને પડેલા ખાડાથી વાહન રોંગ સાઈડ જઈ ચલાવતા હોય છે તે અકસ્માત નોતરી રહ્યા છે.