દાહોદમાં જિલ્લા કક્ષાનો ધોરણ ૯ થી ૧૨ ના વિદ્યાર્થીઓ માટે કારકિર્દી માર્ગદર્શન કાર્યક્રમ દાહોદની એન.ઇ. જીરૂવાલા પ્રાથમિક શાળાના સભાગુહમાં યોજાયો હતો. વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર મોટી સંખ્યામાં આ સેમીનારમાં ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓને નિષ્ણાંતો દ્વારા ઓનલાઇન તેમજ ઓફલાઇન માર્ગદર્શન અપાયું હતું.
સેમીનારમાં ગુજરાત વિધાનસભાના દંડક શ્રી રમેશભાઇ કટારા ઉપસ્થિત રહ્યાં હતા અને વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે શુભેચ્છાઓ આપી હતી. તેમણે જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓને તેમની ઉચ્ચ કારકિર્દી ધડવા માટે માર્ગદર્શન મળી રહે એ આશયથી રાજ્યમાં સૌપ્રથમવાર સુગ્રથિત પ્રયાસ કરીને “નવી દિશા નવું ફલક” કાર્યક્રમ અંતર્ગત રાજ્યભરમાં કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાઇ રહ્યાં છે. જે તમામ જિલ્લાઓ ઉપરાંત તાલુકા કક્ષાએ પણ યોજાશે. જેથી છેવાડાના વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ સુધી પણ કારકિર્દી ઘડવા માટેનું માર્ગદર્શન મળી રહે.
તેમણે ઉમેર્યું કે, દાહોદ જિલ્લામાં પણ જિલ્લા કક્ષા ઉપરાંત તમામ તાલુકાઓમાં આ કારકિર્દી માર્ગદર્શન સેમીનાર યોજાશે. જેથી તમામ તાલુકાઓના વિદ્યાર્થીઓ તેનો લાભ લઇ શકે. ધોરણ ૧૦ અને ૧૨ બાદ વિદ્યાર્થીઓના કારકિર્દીમાં મહત્વના વળાંકો આવતા હોય છે ત્યારે તેમને યોગ્ય માર્ગદર્શન મળી રહે એ ખૂબ જરૂરી છે. ત્યારે વિદ્યાર્થીઓ પણ રાજ્ય સરકાર આયોજીત આ સેમીનારનો મોટી સંખ્યામાં લાભ લે.
જિલ્લા પંચાયત પ્રમુખ સુશ્રી શીતલબેન વાઘેલાએ પણ વિદ્યાર્થીઓને સંબોધતા જણાવ્યું કે, રાજ્ય સરકાર દ્વારા વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર માટે કરાયેલી આ ઉમદા પહેલને આપ સૌએ વધાવી લીધી છે એ માટે ધન્યવાદ. તાલુકા કક્ષાના કાર્યક્રમોમાં પણ સૌ વિદ્યાર્થીઓને ભાગ લેવા જણાવું છું.
જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી નેહા કુમારીએ સેમીનારમાં ઉપસ્થિત વિદ્યાર્થીઓને કારકિર્દી માટે શુભેચ્છાઓ આપી હતી અને પ્રાંસગિક પ્રવચન કર્યું હતું.
જિલ્લા શિક્ષણાધિકારી સુશ્રી કાજલબેન દવેએ સ્વાગત પ્રવચન કર્યું હતું. નવજીવન સાયન્સ કોલેજના એસોસીએટ પ્રોફેસર કે.ટી. જોષીએ વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કર્યું હતું. તદ્દઉપરાંત ઓનલાઇન પણ નિષ્ણાંતો દ્વારા વિદ્યાર્થીઓનું માર્ગદર્શન કરાયું હતું.
સેમીનારમાં વિદ્યાર્થીઓને કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શક સાહિત્યનું વિતરણ કરાયું હતું. મુખ્યમંત્રીશ્રી તેમજ શિક્ષણમંત્રીશ્રીના પ્રેરક સંદેશાને વિદ્યાર્થીઓએ રસપૂર્વક નિહાળ્યો હતો.
કાર્યક્રમમાં આઇટીઆઇના આચાર્ય શ્રી કે.બી. કણઝરીયા, રોજગાર કચેરીના અધિકારી શ્રી ધર્મેશભાઇ, પોલીટેકનીકના આચાર્યશ્રી, સહિતના અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યાં હતા.