તપસમ્રાટ આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીએ ૧૮૦ ઉપવાસનું પારણું આયંબિલના તપથી કર્યું:
તપસમ્રાટ આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીએ ૧૮૦ ઉપવાસનું પારણું આયંબિલના તપથી કર્યું.
ભગવાન મહાવીરના શાસનનાં ૨,૬૦૦ વર્ષમાં પહેલી વખત ચાર-ચાર વાર ૧૮૦ ઉપવાસની તપશ્ચર્યા કરનારા
\આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજી મહારાજાએ
ગચ્છાધિપતિ પ્રશાંતમૂર્તિ આચાર્યશ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા પાસે
આયંબિલનું પચ્ચક્ખાણ લઈને પારણું કર્યું હતું.
આચાર્ય ભગવંતના ૧૮૦ ઉપવાસ નિમિત્તે ૪૭ ઉપવાસની તપશ્ચર્યા કરનારાં જુલીબેનનું પારણું પણ કરાવવામાં આવ્યું હતું. પારણાંનો મુખ્ય લાભાર્થી માતુશ્રી લીલાવતી બહેન હસમુખભાઈ શાહ પરિવાર હતો.
મુંબઇના બોરીવલી ઉપનગરમાં આવેલા પ્રબોધનકાર ઠાકરે સભાગૃહમાં પારણાં નિમિત્તે યોજાયેલા ભવ્ય સમારંભમાં ચાંદીના ૧૦૮ ઘડા વડે આચાર્ય ભગવંતને મગનું પાણી વહોરાવવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ૧૨ આચાર્ય ભગવંતો અને પાંચ પંન્યાસ ભગવંતો સહિત શતાધિક સાધુ-સાધ્વીજી ભગવંતોની પુણ્યવંતી નિશ્રા પ્રાપ્ત થઈ હતી.
મુંબઇ હાઇ કોર્ટના વરિષ્ઠ ન્યાયમૂર્તિ શ્રી કમલકિશોર તાતેડ અને ઉત્તર મુંબઇના સંસદસભ્ય શ્રી ગોપાલ શેટ્ટી આ પ્રસંગે અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા.
પદ્મભૂષણ આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ કહ્યું હતું કે ‘‘આચાર્ય વિજય હંસરત્નસૂરીશ્વરજીનું પારણું ચોપાટીમાં એક લાખની મેદની વચ્ચે થાય, એવી અમારી ભાવના હતી; પણ કોરોનાની પરિસ્થિતિને ધ્યાનમાં લઈને મર્યાદિત સંખ્યામાં જ આમંત્રણો આપવામાં આવ્યાં હતાં.
તેમણે ત્રણ-ત્રણ વખત ૧૮૦ ઉપવાસની તપશ્ચર્યા કરી,
પણ પહેલી વખત પારણાંમાં ગચ્છાધિપતિશ્રીની નિશ્રા મળી છે તે તેમનું સૌભાગ્ય છે.
અમારા ગચ્છાધિપતિ આચાર્યશ્રી વિજય રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજા પણ વિરલ વિભૂતિ અને પ્રશાંતમૂર્તિ છે.
તેમને કોઈએ ક્યારેય ગુસ્સો કરતા જોયા નથી.’’
આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજી મહારાજાના સમર્પણ ભાવની અનુમોદના કરતાં રાજપ્રતિબોધક આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ જણાવ્યું હતું કે ‘‘કોઈ પથ્થરે પ્રતિમા બનવું હોય તો તેણે શિલ્પીના ટાંકણાંનો માર સહન કરવો પડે છે.
તેવી રીતે આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજી આ કક્ષાએ પહોંચ્યા છે તેની પાછળ તેમનો ગુરુ સમર્પણ ભાવ જવાબદાર છે.
ગયાં વર્ષે અમે ખરડીમાં મળ્યા ત્યારે તેમના ૩૨ ઉપવાસ થઈ ગયા હતા અને તેઓ ૬૪ ઉપવાસ કરવાની ભાવના ધરાવતા હતા.
તેમણે મારી પાસે ૧૬ ઉપવાસના પચ્ચક્ખાણ માગ્યા.
મેં તેમને નવકારશીના પચ્ચક્ખાણ આપ્યા તો તેમણે તે કોઈ પણ જાતના સંકોચ વગર સ્વીકારીને પારણું કરી લીધું.’’
‘‘આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજી તો ૧૮૦ ઉપવાસની સાઇકલમાં સવાર થઈને મોક્ષ તરફ નીકળી પડ્યા છે.
આપણું સાઇકલ ચલાવવાનું ગજું નથી; પણ જો આપણે સાઇકલના કેરિયર પર બેસી જઈશું તો આપણે પણ મોક્ષમાં પહોંચી જઈશું.
આ કેરિયર પર બેસવું એટલે તેમના તપની અનુમોદના કરવી.
જો આપણે આચાર્યશ્રીના ૧૮૦ ઉપવાસના તપની સક્રિય અનુમોદના કરવા માગતા હોઈએ તો કમ સે કમ ૧૮૦ દિવસ સુધી હોટેલના આહારનો અને રાત્રિભોજનનો ત્યાગ કરવો જોઈએ.’’
આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી મહારાજાએ આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીની સાધનાનું રહસ્ય સમજાવતાં કહ્યું હતું કે ‘‘કોઈ પણ ક્ષેત્રમાં સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે પાંચ વસ્તુઓની જરૂર હોય છે.
(૧) ગુડ એટેચમેન્ટ : અધ્યાત્મની ભાષામાં તેને પ્રીત અનુષ્ઠાન કહે છે. ધર્મની શરૂઆત પરમાત્મા સાથેના એટેચમેન્ટથી થાય છે.
(૨) ગુડ એટમોસ્ફિયર : ધર્મમાં આગળ વધવું હોય તો સારાં વાતાવરણની જરૂર પડે છે. તમે સંસારમાં રહીને ધર્મ કરી શકો છો, પણ પાપનો ત્યાગ કરી શકતા નથી. જો પાપના ત્યાગનું વાતાવરણ જોઈતું હોય તો સંસારનો ત્યાગ કરવો પડે અને દીક્ષા લેવી પડે.
(૩) ગુડ એટિટ્યૂડ : સારું વાતાવરણ મળ્યા પછી ભાવનાઓ પણ સારી થવી જોઈએ. સાધુ જીવનમાં સમર્પણ ભાવની સાધના સૌથી મુખ્ય છે. આ સાધના આચાર્યશ્રી હંસરત્નસૂરીશ્વરજીએ સિદ્ધ કરી છે.
(૪) ગુડ થોટ્સ : સારી ભાવના હોય તેમને સારા વિચારો પણ આવવા જોઈએ.
(૫) ગુડ એક્શન : માત્ર સારા વિચારો પૂરતા નથી. તેને વ્યવહારમાં ઊતારવા માટે પુરૂષાર્થ પણ કરવો જોઈએ.
આચાર્યશ્રી વિજય હંસરત્નસૂરીશ્વરજીએ આ પાંચેય ગુણો આત્મસાત્ કર્યા હોવાથી તેઓ આજે સિદ્ધિના શિખરે પહોંચી ગયા છે.
તેમણે ચાર વખત ૧૮૦ ઉપવાસ કર્યા છે. હજુ તેમનું ફુલ સ્ટોપ આવ્યું નથી.
તેઓ પાંચમી વખત પણ તે કરી શકે છે. તેમણે જે વિક્રમ સ્થાપિત કર્યો છે તેને આવનારાં વર્ષોમાં કોઈ તોડી શકે તેમ લાગતું નથી.’’
આચાર્ય ભગવંતના ચતુર્થ વખત ૧૮૦ ઉપવાસનાં પારણાંના મહોત્સવ દરમિયાન અગાઉ ત્રણ વખત પારણાંનો લાભ લેનારા પરિવારોનું પણ બહુમાન કરવામાં આવ્યું હતું.
વોશિંગ્ટનથી આવેલા સાત જૈન પરિવારોએ પૂજ્ય આચાર્ય ભગવંતોને પાતરાં વહોરાવવાનો લાભ લીધો હતો.
શ્રી સંજય વખારિયા અને શ્રી અતુલકુમાર વ્રજલાલ શાહે સભાનું કુશળતાથી સંચાલન કર્યું હતું.
૧૮૦ ઉપવાસની અનુમોદના કરવા ૧૮૦ દિવસ હોટેલના આહારનો અને રાત્રિભોજનનો ત્યાગ કરો :
આચાર્યશ્રી વિજય રત્નસુંદરસૂરીશ્વરજી