ડ્રોન ટેકનૉલોજીના ઉપયોગથી ખેડૂતોના ખેતરમાં નેનો યુરિયા છંટકાવ કરવાની પહેલ રાજ્ય શરૂ કરશે. CM
ભુપેન્દ્રભાઈ પટેલે વધુમાં જણાવ્યુ કે, ગુજરાતમાં આપણે IFFCO સાથે સંયોજન કરીને ડ્રોન ટેકનૉલોજીના ઉપયોગથી ખેડૂતોના ખેતરમાં નેનો યુરિયા છંટકાવ કરવાની પહેલ કરવાના છીએ આના પરિણામે ખેડૂતોને ખર્ચ ઘટશે અને એક સાથે સરખું યુરિયા પાકને મળશે.
સહકારી ક્ષેત્ર દ્વારા ગુજરાતે માઇક્રો અને મેક્રો બંને પ્રકારે પોતાની કેડી કંડારી છે. સહકાર એ લોકશાહીનો આધાર છે અને ગ્રામ્ય અર્થતંત્રનો ધબકાર છે. માન.વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના સૂચન પ્રમાણે ગામમાં ઓછામાં ઓછા ૭૫ પ્રાકૃતિક ખેતી કરતાં ખેડૂતોને તૈયાર કરવાની દિશામાં આપણે કામ આરંભ્યુ અને આ અભિયાનને સાર્થક કરવા માટે માન.અમિતભાઈ શાહ સાહેબે પ્રાકૃતિક ખેતીથી થતી ખેત પેદાશોના વેચાણમાં સહકાર ક્ષેત્રનો સહયોગ લઈને ‘લોકલ પ્રોડક્ટને ગ્લોબલ માર્કેટ’ આપવાનો રસ્તો આપણને બતાવ્યો છે.
આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ દેશમાં આત્મનિર્ભરતાનું અભિયાન ચાલી રહ્યું છે. આપણે સહકારના બળે આત્મનિર્ભર ગુજરાત દ્વારા આત્મનિર્ભર ભારત સાકાર કરવું છે. વડાપ્રધાનશ્રીની પ્રેરણાથી દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે સહકારિતાનું અમૃત દેશના આર્થિક વિકાસને વેગ આપશે તેવો વિશ્વાસ અંતે માન.મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજીએ વ્યક્ત કર્યો હતો