સુરત જિલ્લામાં જીવલેણ બનેલ પલસાણાના ચલથાણ નજીક હાઈ વે મુદ્દે ફરી લડત શરૂ થઈ છે. માર્ગ મકાન દ્વારા સને 2017 માં ગ્રાન્ટ ફાળવાયા બાદ પણ હજુ કામ ચાલુ નહીં થતા સ્થાનિક આગેવાનો એ લડત શરૂ કરી છે. અને તાકીદે કામ નહીં શરૂ થાય આંદોલનની ચીમકી ઉચ્ચારી છે…
સુરત જિલ્લામાં મોટો ઔદ્યોગિક એકમ પલસાણા તાલુકો ગણાય છે. અને આ પલસાણા તાલુકા ના ચલથાણ ત્રણ રસ્તા નજીક હાઈ વે પર ટ્રાફિક સમસ્યા વક્રી રહી છે. તો બીજી હાઈ વે પર બલેશ્વર થી કડોદરા માર્ગ પર અને ખાસ કરી ને ચલથાણ નજીક અનેક નિર્દોષોએ માર્ગ અકસ્માતમાં જીવ ગુમાવ્યા છે. ત્યારે આ સમસ્યા નિવારણ માટે સને 2017 ની સાલમાં કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયા દ્વારા સરકાર માંથી છ લેનનો હાઈ વે માટે 246 કરોડની ગ્રાન્ટ ફાળવી હતી.
પરંતુ એ વાત ને પણ 5 વર્ષ વીતી જવા છતાં હજુ કામ ચાલુ થયું નથી. લોકોની માંગણી મુજબ બલેશ્વર, ચલથાણ, કરણ નજીક ઓવરબ્રિજ તેમજ સર્વિસ રોડ તાકીદે બનાવવામાં આવે. પરંતુ આ બાબતે કોઈ કામગીરી નહીં કરાતા સ્થાનિક આગેવાનોએ તંત્રને તેમજ બારડોલી ધારાસભ્ય સહિત આગેવાનોને ફરિયાદ કરી ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
હાલની સ્થિતિ મુજબ ચલથાણ નજીક નેશનલ હાઈ વે નમ્બર 48 પર છાસ વારે ટ્રાફિક જામ ના પણ દ્રશ્યો અહીં સર્જાય છે. જેથી અહીં ઓવરબ્રિજ અને સર્વિસ રોડ બનાવી સમસ્યાનો ઉકેલ આવે એ માંગ સાથે આસ પાસ ના 12 થી વધુ ગામના સરપંચો એ લડત ઉપાડી છે. અને નજીકના દિવસોમાં કામગીરી નહીં કરાય તો ઉગ્ર આંદોલન અને હાઈ ચક્કાજામની પણ ચીમકી આપવામાં આવી છે.