રાજ્યમાં હવે બિનખેતી પરવાનગીના હુકમમાંથી સમયમર્યાદા દૂર કરવામાં આવી છે.પહેલા બિનખેતી પરવાનગીના હુકમમાં બાંધકામની સમયમર્યાદા રેહતી હતી અને તે સમય મર્યાદામાં બાંધકામ ન થાય તો શરતભંગનો કેસ ગણવામાં આવતો હતો. જો કે, હવે રાજ્યના મહેસૂલ વિભાગે પરિપત્ર કરી બિનખેતી પરવાનગીના હુકમમાં સમાવિષ્ટ બાંધકામની સમયમર્યાદા દર્શાવતી શરત દુર કરવાનો નિર્ણય લીધો છે. જેથી બાંધકામની સમયમર્યાદા બાબતના કેસોને શરતભંગ ન ગણવા માટે કલેકટરોને પણ સુચના આપી હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં અત્યાર સુધી બિન ખેતીની પરવાનગી લેવામાં આવે ત્યારે તે અંગેના હુકમમાં બાંધકામની સમયમર્યાદા અંગેની જોગવાઈ રહેતી હતી. જેમાં અરજદારો નક્કી કરેલી સમયમર્યાદામાં બાંધકામ કરવાનું રહેતું હતું. આ નિયમના કારણે અનેક મુશ્કેલીઓ પડતી હતી અને ઘણા કિસ્સાઓમાં અરજદારે ફરી મંજુરી લેવી પડતી હતી. ઉપરાંત અમુક કીસ્સામાં શરતભંગનો કેસ ગણી કાર્યવાહી પણ કરવામાં આવતી હતી. જોકે, હવે સરકારના મહેસુલ વિભાગ દ્વારા બિનખેતી પરવાનગીના હુકમમાં બાંધકામની સમયમર્યાદા અંગેની શરત દૂર કરવાનો નિર્ણય લીધો છે આ અંગે સત્તાવાર પરિપત્ર પણ કરી દેવામાં આવ્યો છે.
રાજ્યમાં બિનખેતી પરવાનગી હુકમોમાંથી બાંધકામની સમયમર્યાદા દર્શાવતી શરત દૂર કરવા અને ગુજરાત જમીન મહેસુલ નિયમો હેઠળના સનદનો નમુનામાં સુધારો કરવા બાબતે સરકારની અનુમતી અન્વયે પ્રાથમિક જાહેરનામું બહાર પાડવામાં આવ્યા બાદ મહેસુલ વિભાગ દ્વારા ગુરુવારે આ અંગે પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં ગુજરાત જમીન મહેસુલ નિયમો, ૧૯૭૨ના નિયમ-૮૭ હેઠળના સનદનો નમૂનામાંથી બાંધકામની સમયમર્યાદા દર્શાવતી શરત ક્રમાંક ૪ દૂર કરવામાં આવી છે. અગાઉ શરત ક્રમાંક ૪માં એમ જણાવ્યું હતું કે, બિનખેતીની પરવાનગી મળ્યાના ૩ વર્ષમાં અરજદારે બાંધકામ કરવાનું રહેતું હતું. પરંતુ હવે આ સમસ્યાને દૂર કરવામાં આવી છે. જેથી હવે કોઈ સમય મર્યાદા રહેશે નહી તેમ પરિપત્રમાં સ્પષ્ટ જણાવાયું છે. ઉપરાંત ગુજરાત જમીન મહેસુલ સંહિતા,૧૮૭૯ની કલમ-૬૫ અંતર્ગત બિનખેતી પરવાનગીના ઓનલાઇન હુકમોમાંથી બાંધકામ પૂર્ણ કરવાની સમયમર્યાદા દર્શાવતી શરત દૂર કરવાની રહેશે તેમ પણ જણાવાયું છે.આ ઉપરાંત ગુજરાત જમીન મહેસુલ સંહિતા,૧૮૭૯ની કલમ ૬૬-૬૭ હેઠળના શરતભંગના કેસોને ચલાવતી વખતે બિનખેતી પરવાનગીના હુકમમાં સમાવિષ્ટ બાંધકામની સમયમર્યાદા બાબતના કેસોને શરતભંગ ન ગણવા માટે તમામ કલેક્ટરોને સૂચિત કરવામાં આવશે તેમ પણ પરિપત્રમાં જણાવાયું છે.
પરિપત્રમાં કલેક્ટરોને સૂચના અપાઈ છે. મતલબ કે અગાઉના વર્ષોમાં બિનખેતીના હુકમમાં બાંધકામની શરતનો ભંગ થયો હોય તેવા અનેક કેસ નિરસ્ત થઈ જશે.