કોરોના સામેના મહાયુદ્ધમાં વેક્સિનેશન અમોઘ શસ્ત્ર છે. અન્ય રાજ્યોમાં જ્યાં વેક્સિનેશનનું પ્રમાણ સતત વધારવામાં આવી રહ્યું છે ત્યાં ગુજરાતમાં વેક્સિનેશનનું પ્રમાણ આશ્ચર્યજનક રીતે ઘટી રહ્યું છે. રાજ્યમાં રવિવારે ૩.૨૨ લાખ જ્યારે સોમવારે માત્ર ૧.૭૫ લાખને કોરોના રસી આપવામાં આવી હતી. આમ, એક જ દિવસમાં રસીકરણમાં અડધાથી પણ વધુનો ઘટાડો નોંધાયો છે. સોમવારે એક જ દિવસમાં સૌથી વધુ રસીકરણ થયું હોય તેવા ટોચના ૧૨ રાજ્યોમાં પણ ગુજરાતનો સમાવેશ નથી.
સોમવારે આંધ્ર પ્રદેશ-મધ્ય પ્રદેશમાંથી ૧૦ લાખથી વધુ લોકોને કોરોના રસીથી સુરક્ષિત કરાયા હતાં. જેની સરખામણીએ ગુજરાતમાં માત્ર ૧,૭૫,૯૭૧ વ્યક્તિને કોરોના રસી આપવામાં આવી હતી. જેમાં ડાંગમાંથી સૌથી ઓછાં ૫૦૪, નવસારીમાંથી ૯૦૭ને જ કોરોના રસી અપાઇ હતી. સોમવારે વડોદરા કોર્પોરેશનમાંથી સૌથી વધુ ૧૪૨૭૪, સુરત કોર્પોરેશનમાંથી ૧૨૦૪૪, અમદાવાદ કોર્પોરેશનમાંથી ૧૦૪૯૭, ગીર સોમનાથ-દેવભૂમિ દ્વારકામાંથી ૭૧૯૧ને કોરોના રસી આપવામાં આવી હતી. રાજ્યના મોટાભાગના જિલ્લામાં રસીકરણનું પ્રમાણ ૫ હજારથી ઓછું જ નોંધાયું હતું.
ગુજરાતમાં અત્યાર સુધી કુલ ૨.૪૨ કરોડને કોરોના રસીનો પ્રથમ ડોઝ જ્યારે ૭૫.૧૬ લાખ લોકો બીજો ડોઝ લઇ ચૂક્યા છે. આ સાથે જ રાજ્યમાં કુલ ૩.૧૮ કરોડ લોકો કોરોના રસી લઇ ચૂક્યા છે. કુલ સૌથી વધુ રસીકરણમાં ઉત્તર પ્રદેશ ૪.૫૧ કરોડ સાથે મોખરે, મહારાષ્ટ્ર ૪.૧૭ કરોડ સાથે બીજા, ગુજરાત ત્રીજા, રાજસ્થાન ૩.૦૫ કરોડ સાથે ચોથા અને કર્ણાટક ૨.૯૧ કરોડ સાથે પાંચમાં સ્થાને છે. જોકે, અન્ય રાજ્યોમાં જે રીતે રસીકરણની ગતિ વધી રહી છે એ જોતાં ગુજરાત હવે કેટલો સમય સૌથી વધુ રસીકરણમાં ટોપ-૩માં સ્થાન જાળવી રાખે છે તે કહેવું મુશ્કેલ છે.
ગુજરાતમાંથી ૧૮-૪૪ વયજૂથમાંથી સૌથી વધુ ૧.૭૮ કરોડ, ૪૫-૬૦ વયજૂથમાંથી ૧.૪૮ કરોડ, ૬૦થી વધુ વયજૂથમાં ૧.૦૯ કરોડ લોકો દ્વારા કોરોના રસી લેવામાં આવી છે. જાણકારોના મતે, ગુજરાતમાં રસીકરણની ઘટી રહેલી ગતિ ચિંતાનો વિષય છે. હવે ત્રીજી લહેરનું જોખમ તોળાઇ રહ્યું છે ત્યારે હકીકતમાં મોડી રાત સુધી રસીકરણ કરવામાં આવવું જોઇએ. જેના સ્થાને ગુજરાતમાં માત્ર સવારે ૧૦થી સાંજે ૬ સુધી જ રસી આપવામાં આવે છે અને તે પૂરતું નથી.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268