ગુજરાતના સૌથી ઊંચા રાષ્ટ્રધ્વજ બે વર્ષ બાદ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લહેરાવવામાં આવ્યો હતો. વડોદરા શહેરના સમા તળાવ પાસેની ખુલ્લી જમીનમાં વર્ષ 2017માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ મુખ્યમંત્રીએ ગુજરાતનો સૌથી ઊંચો 67 મીટર ઊંચાઈએ રાષ્ટ્રધ્વજ લહેરાવ્યો હતો. તે સમયે રાષ્ટ્રધ્વજ કાયમી ધોરણે રાખવામાં આવ્યો હતો પરંતુ થોડાંક જ દિવસોમાં સતત ભારે હવાને કારણે રાષ્ટ્રધ્વજ અવાર-નવાર ફાટી જતો હોવાને કારણે વિવાદ સર્જાતો રહ્યો હતો.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રાષ્ટ્રધ્વજ લહેરાવવા પાછળ અંદાજે દોઢ કરોડનો ખર્ચ કર્યો હતો તેમજ મોંઘી કિંમતના 8 થી 10 રાષ્ટ્રધ્વજ પણ ખરીદીને રાખવામાં આવ્યાં હતાં. પરંતુ અવારનવાર ધ્વજ ફાટી જવાને કારણે નિર્ણય બદલી ને રાષ્ટ્રધ્વજ ઉતારી લેવામાં આવ્યો હતો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ જગ્યા ઉપર વિશ્વના તમામ દેશના રાષ્ટ્રધ્વજ ફરકાવવા અને શહીદ વન બનાવવાનું પણ આયોજન હાથ ધર્યું હતું તે પાછળથી અભરાઈ પર ચડાવી દેવામાં આવ્યું હતું.
છેલ્લા બે વર્ષથી આ જગ્યા ઉપર રાષ્ટ્રીય પર્વ દરમિયાન પણ ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ લહેરાવવામાં આવ્યો ન હતો પરંતુ આ વર્ષે આઝાદીના અમૃત વર્ષ નિમિત્તે ગુજરાતનો સૌથી ઊંચો 67 મીટરની ઊંચાઈએ ફરકતો રાષ્ટ્રધ્વજ આજે ફરી એક વખત લહેરાવવામાં આવ્યો છે. એટલું જ નહીં આ સ્થળ ઉપર વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજીને હવે શેરી વન હેઠળ સ્વસ્તિક વન બનાવવાનું આયોજન શરૂ કર્યું છે.
ગુજરાત રાજ્યનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ 48 ફૂટ પહોળો અને 72 ફૂટ લાંબો છે હવે દર વર્ષે 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે બે દિવસ પૂરતો જ ધ્વજ ફરકાવવામાં આવશે આજે ફરકાવવામાં આવેલો રાષ્ટ્રધ્વજ મોડી સાંજે ઉતારી લેવામાં આવશે તેમ જાણવા મળે છે.