Shantishram News, Diyodar, Gujarat.
ખારીયાના વતની અમદાવાદને કર્મભૂમી બનાવનાર અને સંયમ માર્ગે પગલાં પાડવા થનગની રહેલા દિલીપભાઈ લીલાચંદભાઈ વેલાણી તેમજ શ્રાવિકા રક્ષાબેન દિલીપભાઈ વેલાણીનો માદરે વતન ખારીયા (તા.કાંકરેજ) મુકામે વરસીદાન યાત્રા યોજાયેલ.
સૌ પરિવારજનો સહ ગ્રામજનો આ વરસીદાનયાત્રામાં જોડાયેલ. બંન્ને મુમુક્ષુઓએ ખુલ્લા મને હરખ સાથે વરસીદાન કરેલ. બાદમાં સમગ્ર ગામની ઝાંપા ચુંદડી (ગામજમણ) યોજાયેલ. પધારેલા સૌને કમળાબેન લીલાચંદભાઈ વેલાણી પરિવારે આવકારેલ.
આજ પરિવારની કુળદીપીકા એ પાંચ વર્ષ પૂર્વે દીક્ષા અંગીકાર કરી પૂજ્ય સાધ્વી મહર્ષિ રત્ના શ્રીજી મહારાજ સાહેબ તરીકે શાસન પ્રભાવના કરી રહ્યા છે. આ પરિવારે ખારીયા શિવમંદિર તેમજ પ્રાથમિક શાળામાં રૂા.૬ લાખ પ૧ હજારનું દાન અર્પણ કરેલ. મુમુક્ષુની વરસીદાન યાત્રામાં ગામના પનોતાપુત્ર અને રાજ્યના શિક્ષણમંત્રી કિર્તિસિંહજી વાઘેલા તથા જૈન અગ્રણી હર્ષદભાઈ જે.શાહ આદિએ ઉપસ્થિત રહી આર્શીવાદ આપેલ.
ખારીયાના સરપંચશ્રી કનુભા વાઘેલા, તથા ગ્રામ જનો દુધ-સેવા મંડળીના ચેરમેન, મંત્રીશ્રી તથા કર્મચારી ગણ, વડીલો, યુવાનો, મહિલાઓ વિશાળ સંખ્યામાં જોડાઈ અનુમોદના કરેલ. અને ગામનું નામ રોશન કરી સંસારની મોહમાયાનો ત્યાગ કરી સંયમ માર્ગે જઈ રહેલા બંન્ને મુમુક્ષુઓને આર્શીવાદ આપેલ.
બંન્ને મુમુક્ષુઓ તા.ર૧ એપ્રિલ ના રોજ અમદાવાદ મધ્યે પૂજ્ય આચાર્યશ્રી કલ્પેન્દ્ર સૂરીશ્વરજી મહારાજ સાહેબ તથા પૂજ્ય આચાર્યશ્રી શીલરત્ન સૂરીશ્વરજી મહારાજ સાહેબ ની પાવન નિશ્રામાં દીક્ષા અંગીકાર કરનાર છે. ત્યારે તેમની દીક્ષા મહોત્સવની પત્રિકા લેખન રૂની તીર્થ મધ્યે બપોરે શ્રી ગોડીજી પાર્શ્વનાથ દાદાના જિનાયલમાં રાખવામાં આવેલ. સૌ પરિવારજનો સ્નેહીજનો ઉપસ્થિત રહેલ. પંડિતવર્ય શુભમભાઈ કટારીયાએ સંચાલન કરેલ. પરમાત્માને પત્રિકાનું લેખન કર્યા બાદ અન્ય પત્રિકા લેખન થયેલ. બાદમાં પ્રભાવના થયેલ. દિલીપભાઈ તથા રક્ષાબેને પરમાત્મા સમક્ષ પ્રાર્થના કરેલ. રાત્રે સંગીતના તાલ સાથે ભવ્ય કાર્યક્રમ ગ્રામજનોએ નિહાળેલ.
આવા નવા નવા અપડેટ્સ માટે જોડાઈ રહો શાંતિશ્રમ જોડે
દેશ દુનિયાના મહત્વપૂર્ણ સમાચારો, બિઝનેસ, ફાયનાન્સ, અજબગજબ, ઓટો અને ટેક્નોલોજી સહિતના સમાચાર વાંચો શાંતિશ્રમની વેબસાઈટ પર
સંપર્ક: કૃણાલ શેઠ, મો. 9427535268