હવામાન વિભાગ તરફથી પાંચ દિવસ વરસાદની આગાહી વચ્ચે આજે એટલે કે 19 ઓગસ્ટના રોજ સવારે છ વાગ્યે પુરા થતાં છ કલાક દરમિયાન રાજ્યના 81 તાલુકમાં વરસાદ નોંધાયો છે.
જેમાં સૌથી વધારે ચાર ઇંચ વરસાદ વલસાડ જિલ્લા ના વાપી તાલુકામાં નોંધાયો છે.
બારડોલીમાં 99 મિલીમીટર, પારડીમાં મિલીમીટર, કામરેજમાં 92 મિલીમીટર, મહુવા (સુરત) અને પલસાણામાં 84 મિલીમીટર, આહવામાં 78 મિમીમીટર વરસાદ નોંધાયો છે.
રાજ્યાના 30 તાલુકામાં 24 કલાક દરમિયાન 1 ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 12 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે.
બીજી તરફ આજથી એટલે કે 19 ઓગસ્ટથી રાજ્યમાં સારા વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે.
રાજ્યમાં પડેલા સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો અત્યારસુધી રાજ્યમાં સિઝનનો 38.98% સરેરાશ વરસાદ પડ્યો છે.
વલસાડ જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ: વલસાડ જિલ્લામાં છેલ્લા બે દિવસથી વરસાદી માહિલો જામ્યો છે.
છેલ્લા 24 કલાકમાં કપરાડામાં 1.32 ઇંચ, ધરમપુર 1.2 ઇંચ, વલસાડમાં 2 ઇંચ, ઉમરગામમાં 2.16 ઇંચ, પારડીમાં 4 ઇંચ અને વાપી તાલુકામાં 4.36 ઈંચ વરસાદ નોંધાયો.
ગુરુવારે પણ સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદની હેલી યથાવત રહી છે.
ડાંગમાં વરસાદ: હવામાન ખાતાની આગાહી પ્રમાણે સમગ્ર ડાંગ જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. જિલ્લામા છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ વરસાદને પગલે અંબિકા અને ખાપરી નદી બે કાંઠે વહી રહી છે. બોરખલ, ધોડવહડ, સુપદહાડ, સૂર્યાબરડા, નાનાપાડા અને કુમારબંધ કોઝવે ઉપર પાણી ફરી વળતાં વાહન વ્યવહાર બંધ કરાયો છે.
આજથી ભારે વરસાદની આગાહી: ગુજરાતમાં આજથી (19 ઓગસ્ટ) આગામી બે દિવસ સુધી સારા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. ભારતીય હવામાન વિભાગની આગાહી મુજબ તા. 19 ઓગસ્ટ અને 20 ઓગસ્ટે ગુજરાતમાં ભારે, મધ્યમ અને હળવો વરસાદ રહી શકે છે. હવામાન વિભાગની અખબારી યાદી અનુસાર 19 ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતના મોટાભાગના જિલ્લાઓમાં તેમજ દમણ અને દાદરા નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાતમાં પણ મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે. 19 ઓગસ્ટ (ગુરુવાર) સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં તેમજ દીવમાં પણ વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. યાદી અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના બાકીના જિલ્લાઓમાં હવામાન સૂકુ રહેશે.
20 ઓગસ્ટે ગુજરાતના મોટાભાગના જિલ્લાઓ ઉપરાંત દમણ, દાદરા-નગર હવેલીમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઈ છે. આ તારીખે સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓ તેમજ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા દર્શાવાઈ છે. કચ્છ જિલ્લામાં પણ છૂટોછવાયો વરસાદ થઈ શકે છે.
ઝોન પ્રમાણે સરેરાશ વરસાદ: કચ્છમાં અત્યારસુધી સિઝનનો કુલ 140 મિમી વરસાદ પડ્યો છે. કચ્છમાં સિઝનનો 31.74% વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતની વાત કરીએ તો અત્યારસુધી 225 મિલીમીટર વરસાદ નોંધાયો છે. અહીં સિઝનનો કુલ 31.40% વરસાદ નોંધાયો છે. પૂર્વ-મધ્ય ઝોનમાં અત્યારસુધી 299 મિમી વરસાદ પડ્યો છે. સિઝનનો કુલ 37.04% વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રમાં આ વર્ષે અત્યારસુધી સરેરાશ 241 મિમી વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો કુલ 34.38% વરસાદ પડ્યો છે. દક્ષિણ ગુજરાતમાં અત્યારસુધી સિઝનનો સરેરાશ 672 મિમી વરસાદ પડ્યો છે. અહીં સિઝનનો સરેરાશ 46% વરસાડ પડ્યો છે. આ રીતે રાજ્યના સરેરાશ વરસાદની વાત કરવામાં આવે તો અત્યારસુધી રાજ્યમાં સિઝનનો 38.98% સરેરાશ વરસાદ પડ્યો છે.
ફેસબુક પેજ ને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
ઇન્સ્ટાગ્રામ પેજ ને લાઇક અને સબસ્ક્રાઇબ કરો Shantishram News
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268