ભારત અને દુનિયાની સૌથી લોકપ્રિય ગેમ PUBG એ ગેમીંગની દુનિયાના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે. વર્ષ 2018 માં શરુ થયેલી આ મોબાઈલ ગેમના મેકર્સે એનાઉન્સ કર્યું છે કે, દુનિયાભરમાં આ ગેમ 1 બિલિયનથી વધુ વાર ડાઉનલોડ કરવામાં આવી છે. ફક્ત 3 વર્ષમાં PUBG ની બોલબાલા આખા વિશ્વમાં વધી છે અને તેને ટક્કર આપનારી ગેમ હજુ સુધી માર્કેટમાં નથી આવી. આ કારણે જ ગ્લોબલ લેવલ પર PUBG બનાવનાર ટેન્સેન્ટ કંપનીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
કંપનીએ અત્યારસુધી વિશ્વભરમાંથી $ 5.1 બિલીયનથી વધુની કમણી કરી છે. છેલ્લા ત્રણ મહિનામાં PUBG ની આવકમાં 29% નો ઉછાળો આવ્યો છે અને ભવિષ્યમાં આ ગેમને કંપની સતત અપડેટ કરીને યુનિક ટાસ્ક ઉમેરશે, તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત, PUBG ગેમ આધારીત બની રહેલ મૂવીમાં ગેમના પ્લેયર પણ ભાગ લઈ શકશે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.
સરહદ પર ચીન સાથે સંબંધો વણસતા ભારતે 150 થી વધુ ચાઈનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો હતો, જેમાં PUBG નો પણ સમાવેશ થાય છે. ભારતમાં પ્રતિબંધ લાગુ થતા, કંપનીને મોટા પ્રમાણમાં આર્થિક નુકસાનનો સામનો કરવો પડ્યો છે. પરંતુ, ભારતીય ગેમ રસિયાઓએ PUBG ડાઉનલોડ કરવાનો બીજો કીમિયો શોઘી કાઢ્યો છે. માર્કેટમાં ફરતી થઈ ગયેલી APK ફાઈલની મદદથી આ ગેમના ચાહકો ગેમને ડાઉનલોડ કરીને ગેમનો આનંદ લઈ રહ્યા છે.