સૌરાષ્ટ્ર યુનિવર્સીટીની પરીક્ષાને પારદર્શી બનાવવા માટે મહત્વ પૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. દેશમાં પ્રથમ વખત સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા પોતાની વેબસાઈટ પર દરેક પરીક્ષા કેન્દ્રનું લાઈવ પ્રસારણ મુકવામાં આવશે, જે પરીક્ષા કેન્દ્રના લાઈવ CCTV કોઈ પણ નિહાળી શકશે. આ સુવિધા યુનિવર્સીટીના કુલપતિ, રજિસ્ટ્રાર અને પરીક્ષા નિયામકની હાજરીમાં લાઇવ કરી ખુલ્લી મુકવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના કુલપતિ ડો. ગિરીશ ભીમાણીએ જણાવ્યું હતું કે, યુનિવર્સીટીની પરીક્ષા પારદર્શી બને તે માટે મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં યુનિવર્સીટીની વેબસાઇટ પર દરેક પરીક્ષા કેન્દ્રના CCTV નું જોડાણ આપવામાં આવ્યું છે. કોઈ પણ વ્યક્તિ દેશના કોઈ પણ ખૂણેથી વેબસાઇટ પર આવી વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા લાઇવ જોઈ શકશે. આ દરમિયાન કોઈ પણ કોલેજ કેન્દ્ર ખાતે ગેરરીતિ થતી જણાશે તો તેમના કોલેજ નું જોડાણ રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે.
આગામી સમયમાં વધુ એક નિર્ણય કરવામાં આવશે જેમાં 19 તારીખથી શરૂ થતી પરીક્ષમાં પણ પારદર્શિકતા માટે સુવિધા મુકવામાં આવશે. આ પરીક્ષામાં જે તે પરીક્ષા કેન્દ્ર પર કેન્દ્રના ઓફિશિયલ મેઈલ એડ્રેસ પણ અડધો કલાક પૂર્વે પ્રશ્નપત્ર મેઈલથી મોકલવામાં આવશે આ પ્રશ્નપત્રમાં કોલેજનું બારકોર્ડ મુકવામાં આવશે જેના થકી કોઈ પ્રશ્નપત્ર લીક થાય અથવા કોઈ અન્ય ગેરરીતિ જણાશે તો તત્કાલિક બારકોર્ડ સ્કેન કરી કેન્દ્ર જાણી શકાશે અને જે તે કોલેજ કેન્દ્રનું જોડાણ રદ કરવા સુધી કાર્યવાહી કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે જે પરીક્ષા કેન્દ્રો પર CCTV કેમેરા ન હોય તેવી કોલેજોને પરીક્ષા કેન્દ્ર ન આપવું કે આપવું તે અંગે કોઇ નિર્ણય લેવાયો નથી, પરંતુ પરીક્ષા વિભાગ દ્વારા તમામને CCTV કેમેરા ઇન્સ્ટોલ કરવા સૂચના આપવામાં આવી છે. તમામ 127 કેન્દ્ર પર CCTV કેમેરા હોવાનું જણાવવામાં આવ્યું છે. ત્યારે હવે હાઈટેક સુવિધા બાદ યુનિવર્સીટીની પરીક્ષા વિભાગમાં પારદર્શિકતા સાથે ગેરરીતિ અટકશે કે યથાવત રહેશે તે જોવું મહત્વનું રહેશે. જો કે વિદ્યાર્થીઓના હિતમાં લેવાયેલા નિર્ણયને હાલ સૌ કોઈ આવકારી રહ્યાં છે સાથે પરીક્ષા સમયે થતી ગેરરિતી અને યુનિવર્સિટી પર ઉઠતા સવાલો પર પણ આ CCTVના નિર્ણયથી ચોક્કસથી લગામ લાગશે. અને જેનાથી વિદ્યાર્થીઓના પરિણામ પર પણ આની અસર સ્પષ્ટ પણે જોઈ શકાશે.