સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એકેડેમિક કાઉન્સિલ અને બીયુટી (બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગ)ની બેઠક મળી હતી જેમાં 16 જેટલી નવી કોલેજ, 60થી વધુ નવા કોર્સ અને 99 જેટલા જુદી જુદી કોલેજના ચાલુ જોડાણને મંજૂરી આપવામાં આવી હતી. આ મિટિંગમાં તમામ મુદ્દાઓને અગાઉથી જ મંજૂરી આપવાનું નક્કી કરી લીધું હોય એમ એકપણ મુદ્દામાં વાંધા નીકળ્યા ન હતા. એકેડેમિક કાઉન્સિલના 180 જેટલા એજન્ડાના મુદ્દા અને બીયુટીની મિટિંગમાં 55 જેટલા મુદ્દાની ચર્ચા કર્યા બાદ મંજૂરી આપવાની હતી પરંતુ બંને બેઠકમાં લાંબી ચર્ચા કર્યા વિના જ એલઆઈસીના રિપોર્ટના આધારે જ તમામ બાબતો મંજૂર કરી દેવામાં આવી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કુલપતિ ડૉ. ગિરિશ ભીમાણીની અધ્યક્ષતામાં એકેડેમિક કાઉન્સિલની બેઠક સવારે 11.30 કલાકે અને બીયુટી (બોર્ડ ઓફ યુનિવર્સિટી ટીચિંગ)ની બેઠક બપોરે મળી હતી. આ બંને બેઠકમાં અંદાજિત 200થી વધુ જુદા જુદા એજન્ડા સામેલ હતા જેમાં નવી કોલેજને મંજૂરી આપવી, નવા કોર્સને મંજૂરી આપવી, ચાલુ જોડાણ મંજૂર કરવા તે તમામ મંજૂર કરાયા હતા. આ ઉપરાંત બેઠકમાં ભાજપ અને કોંગ્રેસના નેતાઓની કોલેજો અને કોર્સ પણ ધડાધડ મંજૂર કરી દેવાયા છે. રાષ્ટ્રીય શાળામાં નવી કોલેજ, અમરેલી અને જામનગરમાં નવી કોલેજો મંજૂર થઇ છે. ઉલ્લેખનીય છે કે, યુનિવર્સિટીએ નીડ કમિટીની રચના કર્યા વિના જ કોલેજોમાં ઇન્સ્પેક્શન માટે એલઆઈસીની રચના કરી દીધી છે જેથી ભાજપ-કોંગ્રેસના નેતાઓને નવી કોલેજ કે કોર્સની મંજૂરી આપવાની ગોઠવણ કરી શકાય.
યુનિવર્સિટીના સત્તાવાહકોએ જે નવી કોલેજ અને નવા કોર્સને મંજૂરી આપી છે તેમાંથી એકલ-દોકલને બાદ કરતાં બાકી તમામ રાજકીય નેતા અને તેના લાગતા-વળગતાઓની હોવાનું ચર્ચામાં છે. યુનિવર્સિટીના કુલપતિ અગાઉ કેટલાક નિર્ણય કરી બાદમાં મોટાભાગના નિર્ણયોમાં ફેરવી તોળ્યું હતું, ત્યારે તાજેતરમાં જ લો ફેકલ્ટીની પરીક્ષા માત્ર રાજકોટમાં જ સેન્ટ્રલાઈઝ કરવાનો નિર્ણય કર્યો હતો પરંતુ ગુરુવારે એકેડેમિક કાઉન્સિલની બેઠકમાં આ નિર્ણય પાછો ખેંચી હવે સેન્ટ્રલાઈઝને બદલે અગાઉની જેમ જ કોલેજોમાં લેવા નિર્ણય કરી યુનિવર્સિટીના સત્તાધીશો ફરી ફરી ગયા હતા.