રાજ્ય સરકાર દ્વારા તા.૨૩ થી ૨૫ જુન દરમિયાન રાજ્યવ્યાપી ત્રિદિવસીય ૧૭મા ‘શાળા પ્રવેશોત્સવ’ની શરૂઆત થઈ છે. જેના ભાગરૂપે તા.૨૩મીએ પ્રથમ દિને કૃષિ, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના મૂળદ ગામની પ્રાથમિક શાળા અને કીમ ગામની પ્રાથમિક શાળામાં ઉપસ્થિત રહી જિલ્લાના કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ કરાવ્યો હતો. મંત્રી અને ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે આંગણવાડી અને પ્રાથમિક શાળાના ભૂલકાઓને બાળકોને સ્કુલબેગ, નોટબુક, ફળો, રમકડા, ચોકલેટ સહિતની શૈક્ષણિક કીટ આપી આવકારવામાં આવ્યા હતાં. મૂળદ ગામની શાળામાં ધો.૧ માં ૨૨ અને આંગણવાડીમાં ૩ તેમજ કીમ ગામની શાળામાં ૫૬ અને આંગળવાડીમાં ૨૦ બાળકોએ પ્રવેશ મેળવ્યો હતો. ભૂલકાઓ સાથે સંવાદ સાધી મંત્રીશ્રીએ સ્વચ્છતા, સ્વાસ્થ્ય, નિયમિત અભ્યાસ માટે બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા. તેમણે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો. શાળાની વિદ્યાર્થિનીઓએ વિવિધ કૃતિઓ રજૂ કરી હતી. મંત્રી અને મહાનુભાવોનું પુસ્તક આપી સ્વાગત કરાયું હતું. આ કાર્યક્રમમાં મંત્રી મુકેશભાઈ પટેલે જણાવ્યું હતું કે,પ્રાથમિક શિક્ષણ એ વિદ્યાર્થીઓના અભ્યાસક્રમનો પાયો છે. રાજ્ય સરકાર પાયાથી જ વિદ્યાર્થીઓના શિક્ષણ સ્તરને ઊંચુ લાવવાના સતત પ્રયાસો કરી રહી છે, અને તેમના અભ્યાસક્રમ માટે શિષ્યવૃત્તિથી માંડીને વિદેશ જવા સુધીની યોજનાઓ અમલમાં મૂકી છે, જેના પરિણામે લાખો વિદ્યાર્થીઓનું ભવિષ્ય ઉજ્જવળ બન્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કન્યા કેળવણી માટે સતત પ્રયત્નશીલ છે. રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે લોન, સબસિડીયુક્ત યોજનાઓ અને તાલીમ થકી મદદરૂપ થઈ રહી છે. આ વિસ્તારની આંગળવાડીઓને સુવિધાયુક્ત બનાવવા સાથે જરૂરી સગવડો પૂરી પાડવામાં આવી રહી છે. બાળકોના જીવન ઘડતર કરવાની મહત્વપૂર્ણ જવાબદારી શિક્ષકોની છે. તેમજ બાળકોને અભ્યાસમાં આર્થિક-સામાજિક સમસ્યા હોય તો મદદરૂપ થવાની ખાતરી મંત્રીએ આપી હતી. તેમણે બાળકોને અધવચ્ચે અભ્યાસ ન છોડવાનું ભારપૂર્વક જણાવી ભણીગણીને જીવનમાં આગળ વધવાની શુભેચ્છા આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, સુરત જિલ્લામાં ધો.૧ માં પ્રવેશપાત્ર એક પણ બાળક શાળાપ્રવેશથી વંચિત ન રહી જાય તેવા લક્ષ્ય સાથે જિલ્લામાં શાળા પ્રવેશોત્સવનો પ્રારંભ થયો છે, ત્યારે ત્રણ દિવસ દરમિયાન ૦૯ તાલુકાના ૧૧,૯૯૪ બાળકોએ ધો.૧ માં પ્રવેશ મેળવ્યો છે. આ પ્રસંગે તાલુકા પંચાયત પ્રમુખ બ્રિજેશભાઈ પટેલ, ઓલપાડ તાલુકાના સંગઠન મહામંત્રી મનહરભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુપેન્દ્રભાઈ મોદી, સરપંચો, તાલુકા પંચાયતના સભ્યો, શિક્ષકો, આંગણવાડીના સભ્યો, વાલીઓ-ગ્રામજનો અને પ્રવેશ મેળવનાર ભૂલકાઓ ઉપસ્થિત રહ્યા હતા.
Trending
- આ દિવસે રાખવામાં આવશે માઘ મહિનામાં પ્રદોષ વ્રત, જાણો કેવી રીતે મેળવવા મહાદેવના આશીર્વાદ
- આરજી કર કેસમાં કોર્ટે ચુકાદો આપ્યો, આરોપી સંજય રોય દોષિત જાહેર
- પત્નીને ગોળી મારી પતિએ એસિડ પીધું, એક જ પરિવારના બે લોકોએ જીવ ગુમાવ્યા
- કેન્સરનું જોખમ કોને વધુ , અભ્યાસમાં બહાર આવી સંપૂર્ણ માહિતી
- હવે સરકારી શાળાઓના વિદ્યાર્થીઓ IMA વિશે વાંચશે,અભ્યાસક્રમ માળખામાં સમાવેશ કરાયો
- Mahakumbh 2025: બીજું અમૃત સ્નાન યોજાશે મૌની અમાવસ્યાના દિવસે, જાણો સ્નાનનો શુભ મુહૂર્ત અને મહત્વ
- આજથી સાત દિવસ સુધી હિમાચલના ઘણા ભાગોમાં વરસાદની શક્યતા, તાપમાનમાં ઘટાડો
- ટાંડી ગામમાં આગથી પ્રભાવિત પરિવારોને રાહત પેકેજ મળશે, જાહેરનામું બહાર પાડવામાં આવ્યું