દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા યોગમય વિશ્વનું સેવેલ સ્વપ્ન ખરા અર્થમાં ચરીતાર્થ થયેલું જોવા મળી રહ્યું છે, સમગ્ર વિશ્વ 21 જૂનના રોજ વિશ્વ યોગ દિવસની ઉજવણી કરે છે, ત્યારે ટેક્નોલોજીકલ ક્ષેત્રે અગ્ર હરોળમાં સ્થાન પ્રાપ્ત કરનાર ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી ( જીટીયુ ) દ્વારા પણ આ વર્ષ યોગ ફોર હ્યુમિનીટીની થીમ પર યોગ દિવસની ઉજવણી જીટીયુ ચાંદખેડા ખાતે કરી હતી. આ પ્રસંગે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના ભાષણના લાઈવ દ્રશ્યો પણ જીટીયુ ખાતે દર્શાવવામાં આવ્યા હતાં. તેઓએ જણાવ્યું હતું કે, યોગ હવે “પાર્ટ ઑફ લાઈફ નહીં” પરંતુ “વે ઑફ લાઈફ” છે. જે વર્તમાન સમયમાં વૈશ્વિક સહયોગ અને પારસ્પરિક આધાર તરીકે પ્રસ્થાપીત થયેલ છે. જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે આ પ્રસંગે જણાવ્યું હતું કે , શારીરિક અને માનસિક રીતે સ્વસ્થતા કેળવવા માટે યોગ એક સર્વશ્રેષ્ઠ ઉપચાર છે. સમગ્ર વિશ્વ દ્વારા યોગાભ્યાસને સ્વિકારવામાં આવેલ છે. આ પ્રસંગે જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર વિવિધ પીજી સ્કૂલના ડાયરેક્ટર્સ , જીટીયુના કર્મચારીઓ તથા ચાંદખેડા , મોટેરા અને જીટીયુ નિ:શુલ્ક યોગ કેન્દ્રના 300થી વધુ યોગભ્યાસુઓએ ભાગ લીધો હતો.
વિશેષ ઉજવણી સ્વરૂપે જીટીયુ દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત 1 જૂન થી લઈને 21 જૂન સુધી 21 દિવસીય ઓનલાઈન અને ઓફલાઈન યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જીટીયુ સ્પોર્ટ્સ વિભાગ દ્વારા યોજવામાં આવેલ ઓનલાઈન યોગ શિબિરમાં 25000થી વધુ લોકોએ લાભ મેળવ્યો હતો. યોગ દિવસની ઉજવણી પ્રસંગે ગુજરાત યોગ બોર્ડ અને પતંજલી યોગ સમિતિના તજજ્ઞો દ્વારા ભાગ લેનાર તમામને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. યોગ દિવસની સફળ ઉજવણી અને સૂચારૂ આયોજન બદલ જીટીયુના કુલપતિ અને કુલસચિવે સ્પોર્ટ્સ ઓફિસર ડૉ આકાશ ગોહિલ અને તેમની ટીમને અભિનંદન પાઠવ્યા હતાં.