મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ‘ગુજરાત જ્ઞાન ગુરૂ ક્વિઝ’નો અમદાવાદના સાયન્સ સીટીથી રાજ્ય વ્યાપી શુભારંભ કરાવ્યો હતો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું છે કે, ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ આપણી ભાવી પેઢીને જાણકાર, માહિતીસભર અને જ્ઞાની બનાવી વિશ્વ સાથે સ્પર્ધા માટે તૈયાર કરવાનું દૂરંદેશી પગલું છે. ક્વિઝ સ્પર્ધાથી નગરો- મહાનગરોની શાળા અને કોલેજોમાં એક જુવાળ ઊભો થશે. વાંચનની સાથે સાથે સ્પર્ધા કરવાનો ભાવ પણ પ્રબળ બનશે તેમ તેમણે ઉમેર્યું હતું.
મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલે અમદાવાદ સાયન્સ સિટી ખાતેથી દેશની સૌથી મોટી એવી ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારંભ કરાવ્યો હતો. આગામી 75 દિવસ દરમ્યાન તાલુકા, જિલ્લા અને રાજ્યકક્ષાએ આ ક્વિઝ યોજાશે. જેમાં શાળા-કોલેજના વિદ્યાર્થીઓ તેમજ સામાન્ય નાગરિકો સહિત 25 લાખથી વધુ સ્પર્ધકો ભાગ લેવાના છે. વેબસાઇટ, ઇ-પુસ્તિકા અને ઓનલાઇન કોમ્પિટિશનના માધ્યમથી આ રાજ્ય વ્યાપી સ્પર્ધાને ડિજીટલ ઓપ આપવામાં આવ્યો છે.
ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝનો શુભારંભ અવસરે મુખ્યમંત્રી એ વધુમાં કહ્યું કે, સરકારની વિવિધ યોજનાઓ અને નીતિ-નિયમો સહિત સામાન્ય જ્ઞાનથી વિદ્યાર્થીઓ-નાગરિકો અવગત થાય તે આ સ્પર્ધાનો ઉદ્દેશ છે. દરેક પ્રશ્નોના જવાબ ગુગલમાંથી જાણી લેતી આજની પેઢીને સ્મૃતિ આધારિત જવાબો આપવાની અને મનન ચિંતન
કરવાની ટેવ પડશે એમ તેમણે ઉમેર્યુ હતું.
તેમણે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇના નેતૃત્વમાં ગુજરાતનો એજ્યુકેશન સેક્ટરનો ગ્રોથ આભને આંબ્યો છે. શિક્ષણ સહિતના ક્ષેત્રે અવનવા બદલાવ આવી રહ્યા છે, નવી પહેલ થઇ રહી છે ગુજરાત જ્ઞાન ગુરુ ક્વિઝ રાજ્યની બાળ અને યુવા પેઢીને ગુજરાતની સર્વગ્રાહી વિકાસ યાત્રામાં સહભાગી બનાવશે. મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ શરૂ કરાવેલા વાંચે ગુજરાત અભિયાનની ફળશ્રૃતિનો ઉલ્લેખ કરીને કહ્યું કે, વિકાસના આધારસમી આપણી ભાવી પેઢીને ખિલવાના અને વિશ્વ સાથે બરોબરી કરવાના અવસરો વડાપ્રધાનએ આપ્યા છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત જ્ઞાનગુરુ ક્વિઝ સરકારની વિવિધ યોજનાઓનું સેચ્યુરેશન -100 ટકા લાભાર્થી ક્વરેજ સિદ્ધ કરવામાં મહત્વની ભૂમિકા ભજવશે. આ ક્વિઝથી યોજનાઓની માહિતી છેવાડાના માનવી સુધી પહોંચશે એમ તેમણે ઉમેર્યું હતું. રાજ્ય સરકારની દરેક યોજનાઓ સામાન્યમાં સામાન્ય માનવીને કેનદ્રમાં રાખીને તૈયાર કરવામાં આવી છે અને છેવાડાના માનવી સુધી આ યોજનાઓ પહોંચે એવી તમામ પ્રકારની વ્યવસ્થાઓ રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવી રહી છે, એમાં આ ક્વિઝ એક અગત્યનો ભાગ ભજવશે એમ તેમણે વધુમાં ઉમેર્યું હતું.