જીટીયુ અમદાવાદ અને એલએન્ડટી એજ્યુ. ટેકના સંયુક્ત ઉપક્રમે એકેડેમીયા-ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજવામાં આવી હતી. ટેક્નોલોજી વર્તમાન સમયની પાયારૂપ જરૂરીયાત છે. આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ ટેક્નોલોજીનો વ્યાપ વધે તે અર્થે, સ્કીલ ઈન્ડિયા અને સ્ટાર્ટઅપ ઈન્ડિયા જેવા મહત્વના મુદ્દાઓ પર આજની યુવા પેઢીને આગળ આવવા માટે પ્રોત્સાહન પૂરૂં પાડે છે. વિદ્યાર્થીઓમાં રહેલી ટેક્નિકલ સ્કીલનો વધારો થાય તે અર્થે, ગુજરાત ટેક્નોલોજીકલ યુનિવર્સિટી (જીટીયુ) સંચાલિત ઈન્ટ્રીગ્રેટેડ ટ્રેનિંગ એન્ડ પ્લેસમેન્ટ સેલ (આઈ-ટેપ) દ્વારા તાજેતરમાં લાર્સન એન્ડ ટર્બો લિમીટેડ (એલએન્ડટી) એજ્યુ.ટેકના સંયુક્ત ઉપક્રમે ઈન્ડસ્ટ્રીઝ ઓરીએન્ટેડ કોર્સિસ વિષય પર એકેડેમીયા-ઈન્ડસ્ટ્રીઝ મીટ યોજાઈ. આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતુ કે, ઈન્ડસ્ટ્રીઝની માંગ આધારીત કોર્સિસ હાલના સમયની જરૂરીયાત છે. વિદ્યાર્થીઓ નવીનત્તમ ટેક્નોલોજી આધારીત સ્કીલ આ પ્રકારના કોર્સિસથી શીખીને આત્મનિર્ભર ભારત અભિયાનમાં સહભાગી થશે. આ પ્રસંગે જીટીયુના કુલસચિવ ડૉ. કે. એન. ખેર , આઈ-ટેપ હેડ ડૉ. કેયુર દરજી , એલએન્ડટીના ગ્રુપ એમ.ડી અને સીઈઓ એસ. એન. સુબ્રમણ્યમ વગેરે હાજર રહ્યા હતાં.
જીટીયુ અને એલએન્ડટી સાથે થયેલા એમઓયુ અંતર્ગત વિદ્યાર્થીઓને સીવિલ , મિકેનીકલ , કૉમ્પ્યુટર , આઈટી અને ઈલેક્ટ્રીકલ જેવી એન્જિનિયરીંગની વિવિધ શાખામાં જોવા મળતી અદ્યતન ટેક્નોલોજી માટેના 25 થી વધુ સ્કીલ ડેવલોપમેન્ટ કોર્સિસ જીટીયુના વિદ્યાર્થીઓને શિખવાડવામાં આવશે. જેનાથી ટેક્નોલોજી સંબધીત વિદ્યાર્થીઓની સ્કીલમાં વધારો થશે. તેમજ ઈન્ડસ્ટ્રીઝને પણ તેમની માંગ પ્રમાણેના ઉતકૃષ્ટ અને કુશળ ઉમેદવાર મળી શકશે. જે ઈન્ડસ્ટ્રીઝના ઉત્પાદન તથા નિકાસ અને વિદ્યાર્થીને આર્થિક રીતે ઉપયોગી સાબિત થશે. આ મીટમાં જીટીયુ સંલગ્ન કૉલેજના 250થી વધુ પ્રિન્સિપાલ , એચઓડી અને પ્રોફેસર્સ જોડાઈને તજજ્ઞો સાથે વિવિધ મદ્દાઓ પર ચર્ચા કરી હતી. જીટીયુ દ્વારા આગામી દિવસોમાં વિદ્યાર્થીઓ માટે પણ આ પ્રકારની મીટનું આયોજન કરીને તેમના માટેના કોર્સિસ શરૂ કરવામાં આવશે.