ફુડ ડિલીવરી પ્લેટફોર્મ ઝોમેટના IPOને લઇને રોકાણકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જાણવા મળેલી માહિતી મુજબ દેશની સૌથી મોટી વીમા કંપની LIC પણ ઝોમેટોના ઇશ્યૂમાં બિડ લગાવવાની તૈયારી કરી રહી છે. LIC કોઇ નોન સરકારી કંપનીના ઇશ્યૂમાં પહેલીવાર ભાગ લઇ રહી છે. દેશના સૌથી મોટી સંસ્થાકીય રોકાણકોરોમાંની LIC એક છે. ઝોમેટોનો રૂપિયા 9375 કરોડનો IPO 14 જુલાઇએ ખુલી રહ્યો છે.
સુત્રો પાસેથી મળેલી માહિતી મુજબ LIC ઝોમેટાના IPOમાં ભાગ લેવાની તૈયારી કરી રહ્યું છે. ઝોમેટોનો ગ્રોથ કર્વ દર્શાવે છે કે દેશ ઝડપથી ઇન્ટરનેટ ઇકોનોમી તરફ આગળ વધી રહ્યો છે. એલઆઇસી ઇન્વેસ્ટમેન્ટ કમિટીની એક બેઠક સત્વરે મળશે જેમાં ઝોમેટાના IPOમાં રોકાણ બાબતે નિર્ણય લેવાશે. જો કે LIC હજુ સત્તાવાર જાહેરાત કરી નથી.
ઝોમેટોની વેલ્યૂએશન જાન્યુઆરી મહિનામાં 5.4 અરબ ડોલર હતી. જે જૂન મહિનામાં 8 અરબ ડોલર સુધી વધી ગઇ છે. કોરોના મહામારીમાં લોકડાઉન અને ડરને કારણે લોકો ઘરની બહાર નિકળી શકતા નહોતા એવા સમયે ઓનલાઇન ફૂડ ડિલીવરી પ્લેટફોર્મની લોકપ્રિયતા વધી હતી. ઝોમેટોના IPOમાં પ્રાઇસ બેન્ડ 72થી 76 રૂપિયા રાખવામાં આવ્યો છે. ઝોમેટો કંપની અત્યારે ખોટમાં ચાલી રહી છે, પણ કંપનીએ 2023 પછી નફો કમાવવાની ધારણા રાખી છે.
ઝોમેટોનો IPO 14 જુલાઇએ ખુલવાનો છે અને રોકાણકારોમાં ભારે ઉત્સાહ એટલા માટે છે કે કોરોના મહામારીને કારણે 2020માં જયારે લોકડાઉન હતું એવા સમયે કેટલીક કંપનીઓએ મૂડીબજારમાં પ્રવેશ કર્યો હતો. લોકો ઘરે હતા અને સમય હતો એટલે મોટા ભાગના લોકોએ IPOમાં રોકાણ કર્યું હતું અને મોટાભાગની કંપનીઓમાં રોકાણકારોએ અઢળક કમાણી કરાવી હતી. હવે ઝોમેટો જેવી જાણીતી ફુડ પ્લેટફોર્મ કંપની IPO લઇને આવતી હોય તો સ્વાભાવિક રીતે રોકાણકારો રોકાણ કરવાની તૈયારી કરી રહ્યા છે.
31 માર્ચના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળામાં જાહેર થયેલા આંકડા મુજબ LICનું પબ્લિક કંપનીઓમાં હોલ્ડીંગ ઓલ ટાઇમ લો પર પહોંચી ગયું છે. LICની 296 કંપનીઓમાં માત્ર 1 ટકા હિસ્સેદારી છે. જે આ કંપનીઓના કુલ માર્કેટ કેપનમા માત્ર 3.66 ટકા જેટલી છે. 31 ડિસેમ્બર 2020ના રોજ પુરા થતા ત્રિમાસિક ગાળામાં તે 3.7 ટકા હતી. LIC મોટેભાગે સરકારી કંપનીઓના ઇશ્યૂમાં જ ભાગ લેતી હોય છે જે સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટનો હિસ્સો હોય.