ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ Zomato Ltd ને GST વિભાગ તરફથી નોટિસ મળી છે. કંપનીએ ગુરુવારે જણાવ્યું હતું કે થાણેમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) વિભાગે તેને રૂ. 803.4 કરોડની ટેક્સ ડિમાન્ડ નોટિસ મોકલી છે. જેમાં વ્યાજ અને દંડનો પણ સમાવેશ થાય છે.
એક્સ્ચેન્જને આપેલી માહિતીમાં Zomatoએ કહ્યું કે તેને ડિલિવરી ચાર્જ પર વ્યાજ અને દંડની સાથે GST ના ચૂકવવા અંગે નોટિસ મળી છે. કંપનીએ કહ્યું કે તે યોગ્ય જગ્યાએ અપીલ દાખલ કરશે. કંપની માને છે કે તેનો કેસ મજબૂત છે.
કંપનીએ શું કહ્યું?
Zomatoએ જણાવ્યું હતું કે, “…કંપનીને 12 ડિસેમ્બર, 2024 ના રોજનો ઓર્ડર મળ્યો છે… CGST અને સેન્ટ્રલ એક્સાઇઝ, થાણે કમિશનરેટ, મહારાષ્ટ્ર દ્વારા 29 ઓક્ટોબર, 2019 થી 31 માર્ચ, 2022ના સમયગાળા માટેનો આદેશ પસાર કરવામાં આવ્યો છે. “401,70,14,706 રૂપિયાના GSTની સાથે લાગુ વ્યાજ અને 401,70,14,706 રૂપિયાની પેનલ્ટીની માંગની પુષ્ટિ કરવામાં આવી છે.” “અમે માનીએ છીએ કે અમારી પાસે એક મજબૂત કેસ છે, જે અમારા બાહ્ય કાનૂની અને કર સલાહકારોના મંતવ્યો દ્વારા સમર્થિત છે,” કંપનીએ જણાવ્યું હતું. કંપની આ આદેશ સામે યોગ્ય સત્તાધિકારી સમક્ષ અપીલ દાખલ કરશે.
શેરબજારમાં કંપનીનો છેલ્લો એક મહિનો કેવો રહ્યો?
ગુરુવારે, બજાર બંધ સમયે કંપનીના શેર 2.36 ટકા ઘટ્યા બાદ BSE પર રૂ. 284.90ના સ્તરે હતા. છેલ્લા એક સપ્તાહમાં આ સ્ટોક 4.87 ટકા ઘટ્યો છે. આ પછી પણ Zomatoના પોઝિશનલ રોકાણકારોને એક મહિનામાં 9 ટકાથી વધુ વળતર મળ્યું છે. તમને જણાવી દઈએ કે, Zomatoએ છેલ્લા એક વર્ષમાં 144 ટકા રિટર્ન આપ્યું છે.
કંપનીનું 52 સપ્તાહનું ઉચ્ચ સ્તર રૂ. 304.50 અને 52 સપ્તાહનું નિમ્ન સ્તર રૂ. 116 છે.