Nirmala Sitharaman : નાણામંત્રી નિર્મલા સીતારમણે શનિવારે કહ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાનો કેન્દ્ર સરકારનો હંમેશા ઇરાદો રહ્યો છે. હવે તે રાજ્યો પર છે કે તેઓ સાથે મળીને દર નક્કી કરે. તેમણે કહ્યું કે પૂર્વ નાણામંત્રી અરુણ જેટલીએ જીએસટી કાયદામાં પેટ્રોલ અને ડીઝલનો સમાવેશ કરીને જોગવાઈઓ કરી દીધી છે. હવે તમામ રાજ્યોએ ભેગા થઈને ચર્ચા કરીને ટેક્સના દર નક્કી કરવાનું છે.
શું પેટ્રોલ જીએસટીના દાયરામાં આવશે તો સસ્તું થશે?
જ્યારે 1 જુલાઈ, 2017 ના રોજ GST લાગુ કરવામાં આવ્યો હતો, ત્યારે મોટી સંખ્યામાં કેન્દ્ર અને રાજ્યના કર તેમાં સામેલ કરવામાં આવ્યા હતા. GST કાયદામાં ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસ, પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ફ્યુઅલનો સમાવેશ કરવામાં આવ્યો હતો, પરંતુ GST હેઠળ બાદમાં આ પર ટેક્સ લાગશે તેવો નિર્ણય લેવામાં આવ્યો હતો. આનો અર્થ એ થયો કે કેન્દ્ર સરકારે તેમના પર એક્સાઈઝ ડ્યુટી લાદવાનું ચાલુ રાખ્યું, જ્યારે રાજ્ય સરકારોએ વેટ વસૂલવાનું ચાલુ રાખ્યું.
પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવવાની તૈયારી
સીતારમને કહ્યું કે GST લાગુ કરતી વખતે કેન્દ્ર સરકારનો ઇરાદો એ હતો કે આખરે અમુક સમયે (પછીથી) પેટ્રોલ અને ડીઝલને GSTના દાયરામાં લાવી શકાય. તેમણે કહ્યું કે એકવાર કાઉન્સિલમાં રાજ્યો સહમત થઈ જાય અને ટેક્સ રેટ નક્કી થઈ જાય પછી તેને GST કાયદામાં સામેલ કરવામાં આવશે. GSTમાં તેલ ઉત્પાદનોનો સમાવેશ કંપનીઓને ઇનપુટ્સ પર ચૂકવવામાં આવતા ટેક્સને ઘટાડવામાં મદદ કરશે એટલું જ નહીં પરંતુ દેશમાં ઇંધણ પરના ટેક્સમાં એકરૂપતા લાવશે.