ભારત અને નેપાળની સેન્ટ્રલ બેંકોએ ગુરુવારે બે દેશોની ઝડપી ચુકવણી પ્રણાલી ભારતના યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI) અને નેપાળના નેશનલ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (NPI)ના એકીકરણની શરતો પર હસ્તાક્ષર કર્યા છે.
UPI અને NPIના એકીકરણનો ઉદ્દેશ્ય ભારત અને નેપાળ વચ્ચે ક્રોસ બોર્ડર મની લેવડદેવડને સરળ બનાવવાનો છે. તેની મદદથી, બંને સિસ્ટમના વપરાશકર્તાઓ ઝડપથી અને ઓછા ખર્ચે ફંડ ટ્રાન્સફર કરી શકશે.
આરબીઆઈએ આ સંદર્ભમાં એક નિવેદનમાં જણાવ્યું હતું કે યુપીઆઈ અને એનપીઆઈ જેવી ઝડપી પેમેન્ટ સિસ્ટમનો ઉમેરો રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા અને નેપાળ રાષ્ટ્ર બેંક વચ્ચે સહકાર અને નાણાકીય જોડાણને વધુ ગાઢ બનાવશે. તે બંને દેશો વચ્ચે કાયમી ઐતિહાસિક, સાંસ્કૃતિક અને આર્થિક સંબંધોને મજબૂત બનાવશે.
એકવાર કેન્દ્રીય બેંકો વચ્ચે સંદર્ભની શરતો પર હસ્તાક્ષર થઈ ગયા પછી, UPI અને NPIને એકબીજા સાથે જોડવા માટે જરૂરી સિસ્ટમ મૂકવામાં આવશે. આરબીઆઈએ કહ્યું કે યુપીઆઈ-એનપીઆઈ લિંકેજ ઔપચારિક રીતે ભવિષ્યની કોઈ તારીખે શરૂ કરવામાં આવશે.