Gold Silver Price: વૈશ્વિક બજારોમાં તેજીના વલણ વચ્ચે શુક્રવારે સતત ચોથા ટ્રેડિંગ સેશનમાં સોના અને ચાંદીમાં વધારો થયો હતો અને રૂ. 1,050ના ઉછાળા સાથે રૂ. 73,000 પ્રતિ 10 ગ્રામની સપાટી વટાવી હતી. એચડીએફસી સિક્યોરિટીઝના જણાવ્યા અનુસાર, દિલ્હીમાં સોનાનો ભાવ રૂ. 1,050 વધીને રૂ. 73,350 પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. છેલ્લા સત્રમાં સોનું 72,300 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું.
એ જ રીતે, ચાંદીના ભાવ પણ રૂ. 1,400 વધીને રૂ. 86,300 પ્રતિ કિલોના નવા રેકોર્ડ સ્તરે પહોંચી ગયા છે. HDFC સિક્યોરિટીઝના વરિષ્ઠ વિશ્લેષક (કોમોડિટી) સૌમિલ ગાંધીએ જણાવ્યું હતું કે, “દિલ્હીના બજારોમાં સોનાની હાજર કિંમત (24 કેરેટ) રૂ. 1,050ના વધારા સાથે રૂ. 73,350 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ ઊંચી સપાટીએ ટ્રેડ થઈ રહી છે.
ગુરુવારે ઈદ-ઉલ-ફિત્રના કારણે કોમોડિટી બજારો આંશિક રીતે બંધ રહ્યા હતા. વૈશ્વિક બજારોમાં, કોમેક્સ પર સોનાનો હાજર ભાવ $48 વધીને $2,388 પ્રતિ ઔંસ થયો હતો. શુક્રવારે યુરોપિયન ટ્રેડિંગ ડેની શરૂઆતના કલાકોમાં સોનું નવી ઓલ-ટાઇમ હાઈ પર પહોંચ્યું હતું.
ગાંધીએ જણાવ્યું હતું કે પશ્ચિમ એશિયામાં વધતા તણાવ અને સીરિયામાં તેના દૂતાવાસ પર ઇઝરાયેલના હુમલા સામે ઈરાન દ્વારા બદલો લેવાની આશંકાને પગલે સલામત રોકાણના વિકલ્પ તરીકે માંગમાં વધારો થવાને કારણે કિંમતી ધાતુના ભાવમાં વધારો થયો છે. આ સિવાય વૈશ્વિક બજારમાં ચાંદીની કિંમત પણ વધીને 28.95 ડોલર પ્રતિ ઔંસ થઈ ગઈ છે. અગાઉના સત્રમાં સોનું 28.05 ડોલર પ્રતિ ઔંસ પર બંધ થયું હતું. બીજી તરફ, MCX પર ફ્યુચર્સ ટ્રેડિંગમાં, દિવસના ટ્રેડિંગમાં સોનું રૂ. 72,828 પ્રતિ 10 ગ્રામની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. સોનાનો જૂન કોન્ટ્રાક્ટ રૂ. 1,037 અથવા 1.45 ટકાના વધારા સાથે રૂ. 72,681 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થતો જોવા મળ્યો હતો.