એક મહિનામાં બીજી વખત એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો
સરકારી ઓઈલ અને ગેસ કંપનીઓએ નવા વર્ષના પ્રથમ દિવસે લોકોને રાહત આપવા સાથે ભેટ આપી છે. સરકારી ઓઇલ કંપનીઓએ સોમવારે (1 જાન્યુઆરી) એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડા અંગે માહિતી આપી હતી. આ રીતે એક મહિનામાં બીજી વખત એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે.
સરકારી ઓઈલ કંપનીઓ ઈન્ડિયન ઓઈલ (IOC), ભારત પેટ્રોલિયમ (BPCL) અને હિન્દુસ્તાન પેટ્રોલિયમ (HPCL)એ 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં આ ઘટાડો કર્યો છે. જોકે, આ વખતે એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો ખૂબજ નજીવો છે.
વિવિધ શહેરોમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં આજથી દોઢ રૂપિયાનો ઘટાડો થયો છે, તેમજ 14 કિલોના ઘરેલુ એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
આ પહેલા 22 ડિસેમ્બરે પણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં ઘટાડો કર્યો હતો. ત્યારબાદ 19 કિલોના સિલિન્ડરની કિંમતમાં 30.50 રૂપિયાનો ઘટાડો કરવામાં આવ્યો હતો. આ પહેલા 1 ડિસેમ્બરે પણ કોમર્શિયલ એલપીજી સિલિન્ડર સસ્તા થયા હતા.