Byjus: નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLT) એ એજ્યુટેક પ્લેટફોર્મ બાયજુનું સંચાલન કરતી કંપની થિંક એન્ડ લર્નને 11 મેના રોજ શરૂ થયેલા રાઈટ્સ ઈશ્યુ સાથે આગળ વધતા અટકાવી દીધી છે. NCLTએ આ મામલે યથાસ્થિતિ જાળવી રાખવાનો નિર્દેશ આપ્યો છે. NCLTની બેંગલુરુ બેન્ચ દ્વારા 12 જૂને જારી કરાયેલા આદેશમાં, Byju’sને રાઈટ્સ ઈશ્યૂના પ્રથમ તબક્કા હેઠળ 2 માર્ચે શેરની ફાળવણી પહેલાં અને પછી તેના શેરધારકોની સંપૂર્ણ વિગતો પ્રદાન કરવા માટે કહેવામાં આવ્યું છે.
રાઇટ્સ ઇશ્યૂ 13 જૂને બંધ થવાનો હતો
રાઇટ્સ ઇશ્યૂ સામે ટ્રિબ્યુનલમાં ગયેલા રોકાણકારોએ જણાવ્યું હતું કે બાયજુએ 11 મેના ઑફર લેટર દ્વારા બીજો રાઇટ્સ ઇશ્યૂ શરૂ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. ઇશ્યૂ 13 મેના રોજ ખુલ્યો હતો અને 13 જૂને બંધ થવાનો હતો.
NCLTએ કંપનીને રોકાણકારો દ્વારા દાખલ કરાયેલી મુખ્ય પિટિશનના નિકાલ માટે ચાલુ રાઇટ્સ ઇશ્યૂ સાથે આગળ વધવા પર રોક લગાવી છે. ચાર રોકાણકાર કંપનીઓ – પ્રોસસ, જનરલ એટલાન્ટિક, સોફિના અને પીક XV – અન્ય શેરધારકોના સમર્થન સાથે NCLTમાં ગયા હતા.
નાણાકીય કટોકટીનો સામનો કરતી કંપની
બાયજુ નાણાકીય સંકટનો સામનો કરી રહી છે. બાયજુએ તેના કર્મચારીઓની ઘણી વખત છટણી પણ કરી છે. ઉપરાંત કર્મચારીઓને પગાર ચૂકવવામાં પણ વિલંબ થયો છે. બાયજુએ ગયા વર્ષે ઓક્ટોબર અને નવેમ્બરમાં લગભગ 2,500-3,000 લોકોની છટણી કરી હતી. છટણીથી અત્યાર સુધીમાં લગભગ 3,000-3,500 લોકોને અસર થઈ હોવા છતાં, હજુ પણ 1,000-1,500 વધુ લોકોને છૂટા કરવામાં આવે તેવી શક્યતા છે.