ગ્રોસ ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી) કલેક્શન નવેમ્બરમાં 8.5 ટકા વધીને રૂ. 1.82 લાખ કરોડથી વધુ થઈ ગયું છે કારણ કે સ્થાનિક વ્યવહારોમાંથી વધુ આવક થઈ છે. રવિવારે જાહેર કરાયેલા સરકારી ડેટા અનુસાર, સેન્ટ્રલ જીએસટી કલેક્શન રૂ. 34,141 કરોડ, સ્ટેટ જીએસટી રૂ. 43,047 કરોડ, ઇન્ટિગ્રેટેડ આઇજીએસટી રૂ. 91,828 કરોડ અને સેસ રૂ. 13,253 કરોડ હતો.
વિગતો શું છે
નવેમ્બરમાં કુલ GST આવક 8.5 ટકા વધીને રૂ. 1.82 લાખ કરોડથી વધુ થઈ છે, જે એક વર્ષ અગાઉના સમાન મહિનામાં રૂ. 1.68 લાખ કરોડ હતી. ઓક્ટોબરમાં રૂ. 1.87 લાખ કરોડનું GST કલેક્શન નવ ટકા વાર્ષિક વૃદ્ધિ સાથે બીજા નંબરનું શ્રેષ્ઠ GST કલેક્શન હતું. અત્યાર સુધીમાં સૌથી વધુ કલેક્શન એપ્રિલ, 2024માં રૂ. 2.10 લાખ કરોડથી વધુ હતું.
સમીક્ષા હેઠળના મહિનામાં સ્થાનિક વ્યવહારોમાંથી GSTની આવક 9.4 ટકા વધીને રૂ. 1.40 લાખ કરોડ થઈ છે, જ્યારે આયાત પરના કરમાંથી આવક લગભગ છ ટકા વધીને રૂ. 42,591 કરોડ થઈ છે. મહિના દરમિયાન રૂ. 19,259 કરોડના રિફંડ જારી કરવામાં આવ્યા હતા, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતા 8.9 ટકા ઓછા છે. રિફંડ એડજસ્ટ કર્યા પછી, નેટ GST કલેક્શન 11 ટકા વધીને રૂ. 1.63 લાખ કરોડ થયું છે.
GST કાઉન્સિલની બેઠક 21 ડિસેમ્બરે
તમને જણાવી દઈએ કે GST કાઉન્સિલની 55મી બેઠક 21 ડિસેમ્બરે રાજસ્થાનના જેસલમેરમાં થઈ રહી છે. સત્તાવાર સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, ‘GST કાઉન્સિલની 55મી બેઠક 21 ડિસેમ્બર, 2024ના રોજ રાજસ્થાનના જેસલમેરમાં યોજાશે. તેની વ્યાપક તૈયારીઓ શરૂ થઈ ગઈ છે.’ શહેરની ફાઈવ સ્ટાર હોટલમાં યોજાનારી આ બેઠકમાં કેન્દ્રીય નાણામંત્રી અને અન્ય રાજ્યોના નાણામંત્રીઓ હાજરી આપે તેવી શક્યતા છે. આ બેઠકમાં ઘણા મહત્વના નિર્ણયો લેવામાં આવે તેવી શક્યતા છે.