ગૌતમ અદાણીના અદાણી ગ્રુપ માટે આંધ્રપ્રદેશ સરકાર તરફથી રાહતના સમાચાર આવ્યા છે. આંધ્ર પ્રદેશ સરકારના નાયડુએ અદાણી ગ્રૂપની ગ્રીન એનર્જી કંપની સામે કોઈ પગલાં નહીં લેવાનો નિર્ણય લીધો છે. સરકારનું કહેવું છે કે જ્યાં સુધી અદાણી ગ્રૂપ સામેના આરોપો અંગે નક્કર પુરાવાઓ સામે નહીં આવે અને આરોપો સાબિત નહીં થાય ત્યાં સુધી રાજ્ય સરકાર જૂથ વિરુદ્ધ કોઈ પગલાં લેશે નહીં.
ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, મુખ્યમંત્રી ચંદ્રબાબુ નાયડુએ વિજયવાડામાં પત્રકારોને સંબોધતા કહ્યું, જ્યાં સુધી નક્કર પુરાવા ન મળે ત્યાં સુધી અમે ગ્રુપ કંપનીને આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાંથી ખસી જઈ શકીએ નહીં. કારણ કે આમ કરવા બદલ રાજ્ય સરકારને ભારે દંડ ભરવો પડી શકે છે. મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે જ્યાં સુધી આ મામલે પુરાવા નહીં મળે ત્યાં સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવશે નહીં. તેમણે કહ્યું કે, અમને વધુ પુરાવાની જરૂર છે અને પુરાવા મળ્યા બાદ જ નક્કર કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ, અમેરિકામાં અદાણી ગ્રૂપની કંપની અને ચેરમેન સામે લાંચ લેવાના આરોપો સામે આવ્યા પછી, ચદ્રબાબુ નાયડુએ 22 નવેમ્બર 2024 ના રોજ વિધાનસભામાં પગલાં લેવાની ખાતરી આપી હતી.
નવેમ્બર મહિનામાં, એવા અહેવાલ હતા કે આંધ્ર પ્રદેશની નાયડુ સરકાર અદાણી ગ્રીન એનર્જી સંબંધિત પાવર પરચેઝ એગ્રીમેન્ટ (PPA) રાખવા સંબંધિત વિકલ્પો પર વિચાર કરી રહી છે. સોલાર પ્રોજેક્ટ માટે કોન્ટ્રાક્ટ મેળવવા માટે લાંચ લેવાના આરોપમાં યુએસ જસ્ટિસ ડિપાર્ટમેન્ટ દ્વારા આરોપ મૂકવામાં આવ્યા બાદ રાજ્ય સરકાર આ વિકલ્પો પર વિચાર કરી રહી છે. ત્યારે રાજ્ય સરકારના સૂત્રોએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા અને અદાણી ગ્રીન એનર્જી સાથેના પાવર પરચેઝ એગ્રીમેન્ટને રદ કરવા માટે પત્ર લખવાનું વિચારી રહી છે અને આ મામલે કેન્દ્રીય એજન્સીને તપાસ માટે ભલામણ કરી શકે છે. ઉપરાંત, રાજ્ય સરકાર વીજ પુરવઠાના કરારને સંપૂર્ણપણે રદ કરવાનું વિચારી શકે છે.
પાવર પરચેઝ એગ્રીમેન્ટ હેઠળ, આંધ્રપ્રદેશ સરકારે સોલાર એનર્જી કોર્પોરેશન ઓફ ઈન્ડિયા પાસેથી 7000 મેગાવોટ સોલાર પાવર ખરીદવાની છે. અમેરિકી સત્તાવાળાઓએ ગ્રૂપના ચેરમેન ગૌતમ અદાણી અને અન્ય સાત પર ભારતના ઓડિશા, તમિલનાડુ, છત્તીસગઢ, આંધ્રપ્રદેશ અને કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરના અધિકારીઓને 2021 અને 2022 વચ્ચે સૌર પ્રોજેક્ટને સુરક્ષિત કરવા માટે 265 મિલિયન ડોલરની લાંચ આપવાનો આરોપ મૂક્યો છે. . આ સમગ્ર મામલે વિવાદોમાં ફસાયેલી બે કંપનીઓમાં અદાણી ગ્રીન અને એઝ્યુર પાવરનો સમાવેશ થાય છે.