- ભારતીય શેરબજાર રેકોર્ડબ્રેક તેજીના નવા દોરમાં હોય તેમ આજે પણ નવો વિક્રમ રચાયો
- ઈન્વેસ્ટરોની સંપતિમાં બે લાખ કરોડથી વધુનો વધારો થયો, સેન્સેકસ 69000ને પાર
- હિંડનબર્ગ રીપોર્ટ મામલે અદાણીને અમેરિકાનુ ‘કલીનચીટ’નું વલણ
હિંડનબર્ગ રીપોર્ટ મામલે અદાણીને અમેરિકાએ પણ ‘કલીનચીટ’નું વલણ અપનાવતા ગ્રુપના તમામ 10 શેર 7થી20 ટકા ઉછાળો જોવા મળ્યો છે.. ભારતીય શેરબજાર રેકોર્ડબ્રેક તેજીના નવા દોરમાં હોય તેમ આજે પણ નવો વિક્રમ રચાયો હતો. સેન્સેકસ તથા નિફટી નવી ઉંચાઈએ પહોંચ્યા હતા. ઈન્વેસ્ટરોની સંપતિમાં બે લાખ કરોડથી વધુનો વધારો થયો હતો. સેન્સેકસ 69000ને પાર થયો છે.
પાંચ રાજયોની વિધાનસભા ચુંટણીમાં ભાજપની પ્રચંડ જીતને પગલે શેરબજારમાં સર્જાયેલી તેજી આજે પણ આગળ ધપી હતી અને નવો ઈતિહાસ આલેખાયો હતો. વિધાનસભામાં જબરદસ્ત દેખાવ બાદ 2024ની લોકસભા ચુંટણીમાં પણ ભાજપની જીતની હાર આસાન બનવાનો આશાવાદ દ્દઢ બનતા સારી અસર થઈ હતી.
ભારતીય અર્થતંત્ર ફુલગુલાબી ઝોનમાં છે અને ધારણા કરતા વ્હેલુ પાંચ ટ્રીલીયન ડોલરનું અર્થતંત્ર બની જવાના સંકેતોથી પોઝીટીવ પડઘો પડયો હતો. અદાણી ગ્રુપને ભીંસમાં મુકનાર હિડનબર્ગ રિપોર્ટને માનવનો અમેરિકાએ પણ ઈન્કાર કરીને ગ્રુપની લોન પ્રક્રિયામાં કોઈ અવરોધ નહીં સર્જાવાનો નિર્ણય જાહેર કર્યો હતો તેની અદાણી ગ્રુપ ઉપરાંત સમગ્ર માર્કેટમાં સારી અસર હતી. આ ઉપરાંત મુડીસે ચીનનું રેટીંગ ઘટાડીને નેગેટીવ કરતા વૈશ્ર્વિક રોકાણમાં ભારતને મોટો ફાયદો થવાના આશાવાદની પણ સારી અસર થઈ હતી. છેલ્લા મહિનાઓમાં જંગી વેચાણ કરનાર વિદેશી નાણાં સંસ્થાઓ હવે મોટાપાયે ખરીદી કરવા લાગી હોવાથી તેજીને ટેકો મળી ગયો હતો.