બ્લૂમબર્ગ બિલિયોનેર્સ ઈન્ડેક્સ અનુસાર, અદાણી ગ્રુપ ઓફ કંપનીઝના ચેરપર્સન ગૌતમ અદાણી ફરી એકવાર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીને પછાડીને ભારતના સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે. અદાણીએ વર્લ્ડ રેન્કિંગમાં ટોપ 12માં પ્રવેશ કર્યો છે, જ્યારે અંબાણી માત્ર એક સ્થાન નીચે 13માં સ્થાને છે. અદાણી ગ્રૂપના વડા તેમની નેટવર્થમાં તાજેતરના વધારા સાથે એશિયાના સૌથી ધનિક વ્યક્તિ પણ બની ગયા છે. અદાણી અને અંબાણી બંનેના રેન્કિંગમાં ગયા વર્ષની સરખામણીમાં સુધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં $7.6 બિલિયનનો વધારો થયો છે. જ્યારે મુકેશ અંબાણીની સંપત્તિ 97 અબજ ડોલર છે. છેલ્લા 24 કલાકમાં તેમની નેટવર્થ $665 મિલિયન વધી છે.
3 જાન્યુઆરી, 2024ના રોજ અદાણી-હિંડનબર્ગ કેસમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ ગૌતમ અદાણીની કંપનીઓના શેરના ભાવ ઝડપથી મજબૂત થયા છે, જેના કારણે તેમની નેટવર્થ વધી રહી છે. અદાણી-હિંડનબર્ગ કેસમાં સેબી દ્વારા કરવામાં આવી રહેલી તપાસને સંતોષકારક ગણાવતા સુપ્રીમ કોર્ટે બજાર નિયામક સેબીને કુલ 24માંથી બાકીના 2 કેસની તપાસ કરવા માટે 3 મહિનાનો વધારાનો સમય આપ્યો છે.