જાન્યુઆરી મહિનાના પ્રારંભ સાથે જ સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં ઉત્તરોત્તર વધારાને પગલે બાંધકામ ઉદ્યોગ પર તેના ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા. સતત વધી રહેલા ભાવને પગલે બિલ્ડર્સ અને ડેવલપર્સ દ્વારા પણ નાછૂટકે પ્રોજેક્ટના ભાવોમાં તોતિંગ વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેની સીધી અસર ઈન્વેસ્ટર અને ખરીદદારો પર જોવા મળી રહી હતી. આ સ્થિતિમાં સરકાર દ્વારા સ્થિતિ વણસે તે પહેલાં જ ચોક્કસ નીતિ નિયમો દ્વારા સ્ટીલ અને સિમેન્ટના બેફામ ભાવ વધારાને અંકુશમાં લેવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જે સફળ રહેતા છેલ્લા કેટલાક દિવસોમાં સિમેન્ટ અને સ્ટીલના ભાવમાં 25 થી 30 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે અને આ સ્થિતિને પગલે હવે બાંધકામ ઉદ્યોગને પ્રાણવાયુ મળ્યો છે.
સ્ટીલ સિમેન્ટના ભાવો ઘટતા હવે સુરત સહીત રાજ્યભરમાં બાંધકામ ક્ષેત્રમાં હવે થોડો સુધારો આવે તેવું માનવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મંથર ગતિએ ચાલી રહેલા કન્સ્ટ્રક્શનને હવે થોડો વેગ મળે તેવી સંભાવના છે. ભાવવધારાને પગલે રિયલ એસ્ટેટમાં રોકાણ અને ખરીદીમાં થોડો ઘટાડો થયો હતો. પણ હવે સ્ટીલ સિમેન્ટના ભાવ ઘટતા ફરી એકવાર બાંધકામ સાઈટ પર કામ ઝડપી રીતે આગળ વધે તેવું દેખાઈ રહ્યું છે.છેલ્લા એક વર્ષથી સ્ટીલ અને સિમેન્ટના ભાવમાં સતત વધારાને પગલે સરકારી અને અર્ધસરકારી કચેરીઓમાં સિવિલ વર્કના કામ કરનાર કોન્ટ્રાક્ટરોની હાલત સૌથી વધુ કફોડી થવા પામી હતી. નિશ્ચિત ભાવ સાથે કોન્ટ્રાક્ટ મેળવ્યા બાદ ભાવ વધારાને પગલે મોટા ભાગની સાઈટો પર મંથરગતિએ કામ ચાલી રહ્યું હતું. જોકે, હવે ભાવમાં ઘટાડાને પગલે કોન્ટ્રાક્ટરો દ્વારા ચોમાસાની સિઝન પહેલા સાઈટો પર કામ પૂર્ણ કરવા પર ભાર મુકવામાં આવ્યો છે.યુક્રેન રશિયા યુદ્ધ અને ક્રુડના સતત ભાવ વધારાને પગલે માર્ચમાં સિમેન્ટનો ભાવ 380 રૂપિયા હતો જે એપ્રિલમાં 395 સુધી પહોંચ્યો હતો. અને અંતે મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં ફરી આ ભાવ વધારો ઘટીને 385 પર પહોંચ્યો છે. તે જ પ્રમાણે જાન્યુઆરીમાં સ્ટીલનો ભાવ એકંદરે 60 રૂપિયા સુધી હતો. જે ફેબ્રુઆરીમાં 65 રૂપિયા, માર્ચ મહિનામાં 77 રૂપિયા, અને મે મહિનામાં ફરી ઘટીને 61.70 રૂપિયા પર પહોંચ્યો છે.સ્ટીલમાં સતત ભાવ વધારા પાછળ સરકાર દ્વારા લાદવામાં આવેલી ઈમ્પોર્ટ ડ્યુટી અને એક્સપોર્ટ ડ્યુટીની ઓછી કિંમત મુખ્ય પરિબળ હોવાનું સામે આવ્યું હતુ. ભારતમાં સ્ટીલનું ઉત્પાદન કરતી કંપનીઓ મોટાભાગનું સ્ટીલ બહારના દેશોમાં નિકાસ કરી દેતા હતા જેને લઈને ભારતમાં માંગની સામે પુરવઠો જળવાઈ રહેતો નહોતો અને પરિણામે સ્ટીલની અછતને કારણે ભાવો વધતા હતા. તેની સામે બહારથી આવતા સ્ટીલ પર ઈમ્પોર્ટ ડ્યુટી ચુકવવી પડતી હતી. જેથી બહારથી સ્ટીલ તેમજ રો મટીરીયલ્સ મંગાવવું પણ મોંઘુ પડતુ હતુ. સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી બંધ કરી દઈને એક્સપોર્ટ ડ્યુટી વધારી દેતાં હવે સ્ટીલની નિકાસ લગભગ બંધ થઈ જવા પામી છે. જેને લઈને સ્ટીલના ભાવોમાં 25 થી 30 ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે.