ભારતની દિગ્ગજ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રી પોતાના પોર્ટફોલિયાના વિસ્તરણથી માર્કેટમાં તેની પકડ સતત મજબૂત બનાવી રહી છે. પોર્ટફોલિયાના વિસ્તરણની આ જ રણનીતિની દિશામાં હવે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ રિટેલ ફૂડ બિઝનેસમાં પ્રવેશ કરવા જઇ રહી છે. રિલાયન્સ જૂથની કંપની રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડે આ દિશામાં ગ્લોબલ ફ્રેશ ફૂડ એન્ડ ઓર્ગેનિક કોફી ચેન ‘પ્રેટ એ મેજર’ સાથે હાથ મિલાવ્યો છે. આપને જણાવી દઇએ કે પ્રેટ એ મેજર એ બ્રિટનની કંપની છે અને યુકે, યુએસ, યુરોપ અને એશિયા સહિત 9 દેશોમાં 550 શોપ ધરાવે છે.
ભારતમાં રિલાયન્સના હાથમાં તેની કમાન હશે
રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડ પ્રેટ એ મેજરને ભારતમાં લોન્ચ કરીને પૂરા દેશમાં શોપ ખોલશે. પ્રેટ એ મેજરે પોતાની પહેલી શોપ 1986માં લંડનમાં ખોલી હતી. કંપની હેન્ડ મેડ ફૂડ અને ફ્રેશ રેડી ટૂ મેડ ફૂડ પણ સર્વ કરે છે.
ગ્રાહકોમાં ખાન-પાનને લઇને જાગૃતિ વધી
રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડના MD દર્શન મહેતાએ કહ્યું કે, પ્રેટની સાથે અમારી ભાગીદારી ભારતમાં ફૂડ અને બેવરેજની મજબૂત વિકાસ ક્ષમતામાં ગર્ભિત છે. આરબીએલ ભારતીય ગ્રાહકોની રૂચિ પર વિશેષ રીતે નજર રાખે છે. ગ્રાહકોમાં ખાન-પાનને લઇને જાગરુકતા વધી છે. રેડી ટૂ ઇટ ફૂડ નવી ફેશન બની રહી છે. દુનિયાભરની જેમ ભારતીયો પણ ફ્રેશ અને ઓર્ગેનિક સામાનથી બનેલા ભોજનનો અનુભવ લેવા માંગે છે, પ્રેટ તેની માંગને સારી રીતે પૂરી કરવા માટે સક્ષમ છે.
નોંધનીય છે કે, રિલાયન્સ બ્રાન્ડ્સ લિમિટેડે ભારતમાં ટોય મેન્યુફેક્ચરિંગ બિઝનેસની ઇકોસિસ્ટમને મજબૂત કરવા માટે પ્લાસ્ટિક લેગ્નો SPA સાથે જોઇન્ટ વેન્ચર એગ્રીમેન્ટ પર સાઇન કરી હતી. તેને મારફતે RBLને ભારતમાં પ્લાસ્ટિક લેગ્નોના ટોય મેન્યુફેક્ચરિંગ બિઝનેસમાં 40 ટકા હિસ્સો મળશે.