રશિયા-યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્વ વચ્ચે બ્રિક્સ બિઝનેસ ફોરમ યોજાઇ હતી. આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને બ્રિક્સ દેશો સાથે વેપાર સંબંધો વધારવા પર ભાર મૂક્યો હતો. આપને જણાવી દઇએ કે રશિયા અને બ્રિક્સ દેશો વચ્ચે વર્ષના પ્રથમ ત્રણ મહિનામાં વેપાર 38 ટકા વધ્યો છે અને હવે તે 45 બિલિયન ડોલર સુધી પહોંચ્યો છે. વિશ્વના ટોચના ક્રૂડ ઓઇલ નિકાસકારોમાંથી એક એવા રશિયાએ તાજેતરમાં રેકોર્ડ ક્રૂડ ઓઇલની સપ્લાય કરી છે. અગાઉ રશિયાએ યુક્રેન પર કરેલા હુમલા બાદ અનેક પશ્વિમી દેશોએ રશિયા પર અનેકવિધ પ્રતિબંધો લગાવ્યા હતા.
રશિયામાં ભારતીય સુપરમાર્કેટ ખુલશે
બીજી તરફ રશિયા અને ભારત વચ્ચે વ્યાપારિક સંબંધોને વેગ આપવા માટે રશિયામાં હવે ભારતના સુપરમાર્કેટ ખુલશે. આ માટે ભારત અને રશિયા વચ્ચે વાટાઘાટો ચાલી રહ્યો છે. જો કે રશિયાના રાષ્ટ્રપતિ પુતિને રશિયમાં ભારતીય સ્ટોર્સની કઇ ચેઇન ખુલશે તેને લઇને કોઇ સ્પષ્ટતા કરી નથી. તે ઉપરાંત રશિયન માર્કેટમાં ચાઇનીઝ કાર અને ઇક્વિપમેન્ટનો હિસ્સો વધારવા માટે પણ વાત ચાલી રહી છે. બ્રિક્સ દેશોમાં રશિયાની હાજરી વધી છે. ચીન અને ભારતમાં રશિયન ક્રૂડ ઓઇલની નિકાસમાં વધારો થયો છે.
એકજૂટ થઇને સમસ્યાનું નિરાકરણ લાવી શકાય
આ દરમિયાન રશિયાના રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, આપણે દરેક એકજૂટ થઇને આતંકવાદ, સંગઠિત અપરાધો, ક્લાઇમેટ ચેન્જ સામે લડી શકીએ છીએ. તે ઉપરાંત ચેપના સંક્રમણને ફેલાવાને રોકવા માટે પણ કામ કરી શકીએ છીએ. બ્રિક્સ દેશો સાથે મળીને અમે આંતરરાષ્ટ્રીય સ્તરે વૈકલ્પિક મિકેનિઝમ તૈયાર કરી રહ્યાં છીએ. અમે બ્રિક્સ દેશોની બેંકો સાથે રશિયાની ફાઇનાન્સિયલ મેસેજિંગ સિસ્ટમ સાથે પણ જોડાણ કરવાની પણ તૈયારી કરી રહ્યાં છીએ.