અત્યારે ચંડીગઢમાં કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં જીએસટી કાઉન્સિલની બેઠક ચાલી રહી છે. આ બેઠક દરમિયાન અનેક વસ્તુઓના પરના કરને લઇને પણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. અનેક વસ્તુઓ જે GSTના દાયરામાંથી બહાર હતી તેને હવે ટેક્સના દાયરા હેઠળ લાવવામાં આવી છે. કેટલીક વસ્તુઓ પર જીએસટી દરમાં વધારો કરવામાં આવ્યો છે. અત્યારે બેઠક ચાલી રહી હોવાથી બેઠક દરમિયાન લેવામાં આવેલા નિર્ણયો અંગે સત્તાવાર જાહેરાત નથી કરાઇ પરંતુ અધિકારીઓ અને સૂત્રો સાથેની વાતચીત પરથી કેટલીક વસ્તુઓ અને સેવાઓના નામ સામે આવ્યા છે જેના પર જીએસટીમાં ફેરફાર લાગૂ કરવામાં આવ્યો છે.
કંઇ વસ્તુઓના જીએસટી દરોમાં થયા ફેરફાર
- હવે તમારે હોટલમાં રહેવા માટે વધુ ભાડૂં ચૂકવવાની તૈયારી રાખવી પડશે. જીએસટી કાઉન્સિલની બેઠક દરમિયાન 1000 રૂપિયા પ્રતિ રાત્રિથી ઓછી કિંમતના હોટલ રૂમ પર 12 ટકા જીએસટી વસૂલવાની વાત કરાઇ છે.
- તે ઉપરાંત હોસ્પિટલ ખર્ચ પણ વધશે. જેનું કારણ એ છે કે, દરરોજ 5000 રૂપિયાથી વધુની હોસ્પિટલના રૂમ ચાર્જ પર પણ જીએસટી વસૂલાતનો પ્રસ્તાવ છે.
- -બીજી તરફ હવે ચેકબુક પણ મોંઘી થશે. ચેક ઇશ્યૂ કરવા માટે બેંકો દ્વારા લેવામાં આવતી ફી પર પણ 18 ટકા જીએસટી લાગશે.
- સોલાર વોટર હીટર પર જીએસટી 5 ટકાથી વધારીને 12 ટકા કરવાની ચર્ચા-વિચારણા ચાલી રહી છે.
- તે ઉપરાંત પેકેજ્ડ પનીર, મધ, પાપડ, લસ્સી, છાસ અને અન્ય ઘણા અનાજને જીએસટીના દાયરા હેઠળ લાવવામાં આવ્યા છે.
બેઠક વચ્ચે જો કે આ ફેરફાર ક્યારથી લાગૂ થશે તેને લઇને કોઇ સત્તાવાર માહિતી પણ જાહેર કરવામાં આવી નથી. પરંતુ એવી ધારણા કરવામાં આવી રહી છે કે જીએસટી કાઉન્સિલની પ્રથમ દિવસની બેઠકમાં આ વસ્તુઓ અને સેવાઓ પર ટેક્સ લગાવવા પર સહમતિ સધાઇ છે. બીજી તરફ આજની બીજા દિવસની બેઠક દરમિયાન ગેમિંગ, કેસિનો પર જીએસટી અંગે ચર્ચા વિચારણા હાથ ધરાશે.