સામાન્ય જનતા ઉપરાંત મેન્યુફેક્ચરિંગ સેક્ટરને પણ મોંઘવારીનો માર પડ્યો છે. એક માસિક સર્વેક્ષણ અનુસાર શુક્રવારે કહેવામાં આવ્યું છે કે, ભારતમાં ઉત્પાદન સેક્ટરની ગતિવિધિઓ જૂન મહિનામાં 9 મહિનાના નીચલા સ્તરે જોવા મળી છે. આ ઘટાડો મોંઘવારીના દબાણને કારણે કુલ વેચાણ અને ઉત્પાદન ઘટવાને કારણે નોંધાયો છે. આપને જણાવી દઇએ કે ગ્લોબલ ઇન્ડિયા મેન્યુફેક્ચરિંગ પરચેઝિંગ મેનેજર્સ ઇન્ડેક્સ (PMI) જૂનમાં ઘટીને 53.9ના સ્તરે નોંધાયો છે. જે આ પહેલા મે મહિના દરમિયાન 54.6 હતો. ઇન્ડેક્સમાં ગત વર્ષે સપ્ટેમ્બરની બાદ સૌથી મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે.
જૂન મહિનામાં પીએમઆઇના ડેટાએ સતત બારમાં મહિને સમગ્ર ઑપરેશન સ્થિતિઓમાં સુધારા તરફ ઇશારો કર્યો છે. પીએમઆઇ ઇન્ડેક્સ અનુસાર 50થી ઉપરનો આંક વિસ્તરણ દર્શાવે છે જ્યારે 50થી નીચેનો આંકો આ સંકોચન દર્શાવે છે.
મુલ્ય વૃદ્વિ નીચલા સ્તર પર
એસએન્ડપી ગ્લોબલ માર્કેટ ઇન્ડેક્સના ઇકોનોમિક્સ એસોસિએટ ડાયરેક્ટર પોલિયાના ડે લિમાનું માનવું છે કે ભારતીય મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં વર્ષ 2022-23ના પહેલા ત્રિમાસિક ગાળામાં તીવ્ર મૂલ્ય દબાણ, વધતા વ્યાજદરો, ફુગાવો, પડકારજનક ભૌગોલિક રાજકીય લેન્ડસ્કેપ છતા એક નક્કર આધાર જોવા મળ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, કારખાનાઓના ઓર્ડર તેમજ પ્રોડક્શનમાં સતત 12માં મહિને વધારો નોંધાયો છે, પરંતુ બીજી તરફ મૂલ્ય વૃદ્વિ 9 મહિનાના નીચલા સ્તરે નોંધાઇ છે.
નોંધનીય છે કે, આરબીઆઇના ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, યુરોપમાં રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્વને કારણે ગ્લોબલ ઇકોનોમિક આઉટલુક ક્લિયર નથી. દુનિયાભરની મધ્યસ્થ બેંકો મોંઘવારીના દબાણને કારણે પોતાની નાણાકીય નીતિને સતત વધુને વધુ સખત બનાવી રહી છે.