સાડી અને ડ્રેસ મટીરિયલ્સમાં જોડાયેલા કેટલાક વેપારીઓ હવે પડદાના કાપડના વેપારમાં જોડાઇ રહ્યા છે. સુરતમાં હાલ પ્રતિદિન 8 લાખ મીટર પડદાના કાપડનું ઉત્પાદન થાય છે જે દેશ અને વિદેશમાં વેચાય છે.
પડદાના કાપડના વેપાર સાથે જોડાયેલા વેપારીઓનું કહેવં છે કે સુરતમાં હાલ આશરે 300 વેપારીઓ પડદાના કાપડના વેચાણ સાથે જોડાયા છે. પડદાનું ગ્રે વોર્પ નીટિંગ મશીન પર તૈયાર થાય છે. જે મોટાભાગે સુરતના બહારથી આવે છે. જેના પર ડાઇંગ પ્રોસેસિંગ સુરતમાં કરવામાં આવે છે. પડદાના કાપડ માટે પાણીપત જાણીતં બજાર છે જોકે હવે સુરતમાં પણ ખાસ્સુ ઉત્પાદન થવા લાગ્યું છે. પાણીપતમાં પણ સુરતના વેપારીઓ પડદાનું કાપડ વેચે છે. તે સિવાય દુબઇ, બાંગ્લાદેશ, શ્રાીલંકા સહિત કેટલાક દેશોમાં પડદાનું કાપડ એક્સપોર્ટ થાય છે.
પહેલા સુરતમાંથી પડદાના કાપડનું વેચાણ થતં હતું. જોકે થોડા દિવસ પહેલા રેડીમેડ સ્ટીચ સાથેના પડદાનું વેચાણ શરૂ થતા સુરતના સાડી અને ડ્રેસના વેપારીઓ પણ તેમાં જોડાઇ ગયા છે. પડદાનું કાપડ પડદાની સાથે ટેન્ટ, ગારમેન્ટ અને ડાઇનિંગ ટેબલ સહિત અનેક રીતે ઉપયોગમાં લેવાતા હાલ પણ તેની ડિમાન્ડ છે અને આગામી એકાદ મહિનો સારી ડિમાન્ડ રહેવાની સંભાવના છે.
તૈયાર પડદા બનાવનારાઓની પણ સંખ્યામાં વધારો
પડદાનુ કાપડ બનાવનારા કેટલાક ઉત્પાદકોએ માર્કેટ વિસ્તારમાં રીટેઇલર તરીકે પણ કામગીરી શરુ કરી છે. જેથી માર્કેટમાં જેવી માંગ હોય તે પ્રમાણે જ પડદાનુ કાપડ બનાવતા હોય છે. સાથે સાથે કેટલાક વેપારીઓએ તો પડદાનુ કાપડ બનાવવાની સાથે તૈયાર પડદા પણ બનાવી આપવાની શરુઆત કરી છે. આજથી પાંચેક વર્ષ પહેલા માર્કેટ વિસ્તારમાં ગણતરીના લોકો જ આ કામગીરીમાં જોડાતા હતા. જ્યારે ધીમે ધીમે આ વેપારમાં મોટી સંખ્યામાં વેપારીઓ જોડાતા થયા છે.