જ્યારથી શેરબજારમાં સમાચાર આવ્યા છે કે બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાએ ડેલ્ટા કોર્પના 57 લાખ શેર વેચ્યા છે. ડેલ્ટા કોર્પના શેર ધડામ પટકાયા છે. રાકેશ ઝુનઝુનવાલાએ 17 જૂન, 2022ના રોજ 167.17ના ભાવે ડેલ્ટા કોર્પના 57,50,000 શેર વેચી દીધા. આ BSEના બલ્ક ડીલ ડેટા દ્વારા સામે આવ્યું છે. આ પહેલા પણ 1 જૂનથી 14 જૂન વચ્ચે રાકેશ ઝુનઝુનવાલા અને તેમની પત્ની રેખા ઝુનઝુનવાલાએ ડેલ્ટા કોર્પમાં 75 લાખ શેર વેચ્યા છે અને તેમનો હિસ્સો 7.48 ટકાથી ઘટાડીને 3.36 ટકા કર્યો છે. રાકેશ ઝુનઝુનવાલાની ડેલ્ટા કોર્પમાં 4.30 ટકા હિસ્સેદારી હતી, જ્યારે રેખા ઝુનઝુનવાલાની અલગથી 3.18 ટકા હિસ્સેદારી હતી.
આ સમાચાર સામે આવ્યા બાદ કેસિનો ઓપરેટર ડેલ્ટા કોર્પનો સ્ટોક 10 ટકા ઘટીને 166.65 રૂપિયા પર આવી ગયો છે. જ્યારે છેલ્લા ટ્રેડિંગ સેશનમાં શેર 184.20 રૂપિયા પર બંધ થયો હતો. જોકે, સ્ટોક નીચલા સ્તરેથી રિકવર થયો હતો અને શેર 5 ટકાના વધારા સાથે 175 રૂપિયા પર ગઇકાલે બંધ થયો હતો. ઉલ્લેખનીય છે કે 2022ની શરૂઆતથી ડેલ્ટા કોર્પનો હિસ્સો લગભગ 35 ટકા નીચે આવ્યો છે. આ ઘટાડા બાદ કંપનીની માર્કેટ મૂડી ઘટીને 4,677 કરોડ રૂપિયા થઈ ગઈ છે.
શુક્રવારે જ્યારે સામ આવ્યું કે ડેલ્ટાટેક ગેમિંગ, કેસિનો ઓપરેટર ડેલ્ટા કોર્પની પેટાકંપની, આઇપીઓ સાથે આવી રહી છે, ત્યારે ડેલ્ટા કોર્પના શેરમાં મોટો વધારો જોવા મળ્યો છે. જોકે ડેલ્ટા કોર્પનો શેર હાલમાં 175 રૂપિયા પર બંધ થયો છે. ડેલ્ટા કોર્પ સ્ટોકનો 52-સપ્તાહનો હાઈ 339 રૂપિયા અને લો 162.70 રૂપિયા છે.