જો તમે પણ રેલવે મારફતે મુસાફરી કરો છો તો તમારા માટે એક મહત્વના સમાચાર છે. ભારતીય રેલવે વિભાગ સમયાંતરે પોતાના યાત્રીઓને ઉત્કૃષ્ટ સુવિધાઓ આપવા માટે પ્રયાસરત છે. રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ખજુરાહોથી દિલ્હી સુધી વંદેભારત ટ્રેન શરૂ કરવાની જાહેરાત કરી છે.
75 શહેરોને વંદે ભારતથી જોડવાની યોજના
સરકાર અત્યારે દેશના 75 શહેરોને વંદે ભારત ટ્રેનથી જોડવાની યોજના બનાવી રહી છે. તેના માટે ઇન્ટીગ્રલ, ચેન્નાઇમાં ઝડપી ગતિએ તૈયારી થઇ રહી છે. અહીંયા 75 વધુ વંદેભારત ટ્રેન માટેના કોચનું ઉત્પાદન થઇ રહ્યું છે. જેને ટૂંક સમયમાં તૈયાર કરી લેવાશે. નવા કોચ જૂના કોચની તુલનામાં વધુ આધુનિક હશે. તેને યાત્રીઓની સહૂલિયતના હેતુસર વધુ સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યા છે.
ઓગસ્ટ સુધી ઇલેક્ટ્રિફિકેશન થઇ જશે
રેલવે મંત્રીએ જણાવ્યું હતું કે, ખજુરાહોથી દિલ્હી સુધી વંદેભારત ટ્રેનના રૂટ પર ઓગસ્ટ સુધી ઇલેક્ટ્રિફિકેશનનું કામ પૂર્ણ થઇ જશે. એટલે કે ત્યાં સુધીમાં વંદેભારત ટ્રેન પણ દોડતી થઇ જશે. આપને જણાવી દઇએ કે વંદેભારત ટ્રેન એક ખૂબ જ આરામદાયક સફરનો અહેસાસ કરાવતી ટ્રેન છે. તે એસીથી સજ્જ છે. તેના ખાસ ફીચર્સમાં યુરોપિયન સ્ટાઇલની સીટો, એક્ઝિક્યુટિવ ક્લાસમાં રોટેટિંગ સિટો, ડિફ્યૂઝ્ડ એલઇડી લાઇટ્સ, રીડિંગ લાઇટ્સ, ઓટોમેટિક એક્ઝિટ-એન્ટ્રી દરવાજા, મિની પેન્ટ્રી છે. ખજુહારો સ્ટેશનનો પુર્નવિકાસ પણ થશે. આ સ્ટેશનને વર્લ્ડ ક્લાસ લેવલનું બનાવવામાં આવશે. વન સ્ટેશન, વન પ્રોડક્ટ યોજનાનું પણ અત્યારે વિસ્તરણ કરાઇ રહ્યું છે. તેનાથી સ્થાનિક ઉત્પાદનોને સ્ટેશનો મારફતે માર્કેટ પૂરું પાડવામાં આવશે. એટલે કે હવે યાત્રીઓ માટે ખજુરાહોની સફર વધુ સરળ બનવાની છે.