જો તમે પણ પોસ્ટ ઓફિસમાં ખાતુ ધરાવો છો તો તમારા માટે મહત્વના સમાચાર છે. વાસ્તવમાં, પોસ્ટ ઓફિસ દ્વારા ટ્રાન્ઝેક્શન સંબંધિત કેટલાક નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પોસ્ટ ઓફિસે પોસ્ટ ઓફિસની બચત યોજનાઓ (Post Office Savings Schemes)માંથી પૈસા ઉપાડવાની લિમિટને વધારી દીધી છે. આ નિર્ણયથી પોસ્ટ ઓફિસ સેવિંગ્સ સ્કીમ બાકી બેંકો સાથે મુકાબલો કરી શકશે તેમજ લાંબી અવધિ માટે પોસ્ટ ઓફિસમાં ડિપોઝિટ્સ વધશે.
એક દિવસમાં 20,000 રૂપિયા ઉપાડી શકાશે
ગ્રામ્ય પોસ્ટ ઓફિસની બ્રાંચમાં હવે ખાતાધારક એક જ દિવસમાં 20,000 રૂપિયા ઉપાડી શકશે, પહેલા આ લિમિટ 5,000 રૂપિયા હતી. તે ઉપરાંત હવે કોઇપણ બ્રાંચના પોસ્ટમાસ્ટર એક દિવસમાં એક ખાતામાં 50,000 રૂપિયાથી વધુ કેશ જમા લેણદેણને સ્વીકારી નહીં શકે. એનો અર્થ એ છે કે હવે એક દિવસમાં એક ખાતામાં 50,000 રૂપિયાથી વધુની રોકડની લેણદેણ નહીં થઇ શકે.
PPF, KVP, NSCના નિયમોમાં પણ બદલાવ
નવા નિયમો અનુસાર બચત ખાતા ઉપરાંત હવે જાહેર ભવિષ્ય નિધિ (પીપીએફ), વરિષ્ઠ નાગરિક બચત યોજના (SCSS), માસિક આવક યોજના (MIS), કિસાન વિકાસ પત્ર (KVP), રાષ્ટ્રીય બચત પ્રમાણપત્ર (NSC) યોજનાઓમાં જમા ચેક મારફતે સ્વીકાર અથવા વિડ્રોઅલ ફોર્મ મારફતે કરી શકાશે.
મિનિમમ કેટલું બેલેન્સ જરૂરી
આપને જણાવી દઇએ કે પોસ્ટ ઓફિસ સેવિંગ સ્કીમ પર વાર્ષિક 4 ટકા વ્યાજદર મળે છે, પોસ્ટ ઓફિસમાં ખોલવામાં આવેલા બચત ખાતા માટે મિનિમમ બેલેન્સ 500 રૂપિયા રાખવું આવશ્યક છે. જો તમારા ખાતામાં 500 રૂપિયાથી ઓછું બેલેન્સ હશે તો એકાઉન્ટ જાળવણીના ભાગરૂપે તમારા ખાતામાંથી 100 રૂપિયા કાપી લેવામાં આવશે.