જૂન મહિનામાં જીએસટી કલેક્શનમાં વધારો થયો છે. સરકારના આંકડા અનુસાર જૂન 2022માં ગ્રોસ જીએસટી કલેક્શન 1.44 લાખ કરોડ રૂપિયા રહ્યુ છે. આ ગત વર્ષના જૂન મહિનાના મુકાબલે 56 ટકા વધારે છે. ફાઇનાન્સ મિનિસ્ટર નિર્મલા સીતારમણે કહ્યુ કે હવે જીએસટીથી થતી આવક 1.40 લાખ કરોડ રૂપિયાથી વધારે રહેશે.
તમને જણાવી દઇએ કે મે 2022માં જીએસટી કલેક્શન 1,40,885 કરોડ રૂપિયા હતુ, ત્યારે આ ગત વર્ષની તુલનામાં 44 ટકા વધારે હતુ. તમને જણાવી દઇએ કે એક જુલાઇથી દેશમાં જીએસટીને લાગુ થયે પાંચ વર્ષ પૂર્ણ થઇ ગયા છે. દેશમાં છેલ્લા પાંચ વર્ષમાં જીએસટીને લઇને અલગ અલગ અનુભવ રહ્યો છે.
બે દિવસ પહેલા જ ચંદીગઢમાં જીએસટી પરિષદની 47મી બેઠક નાણા મંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં પૂર્ણ થઇ છે. આ બેઠકમાં કેટલીક વસ્તુ પર જીએસટીના દર વધારવા તો કેટલીક વસ્તુ પર જીએસટીના દરને ઓછો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
બીજી તરફ પૂર્વ નાણા મંત્રી અને કોંગ્રેસ નેતા પી.ચિદમ્બરમે જીએસટીની વ્યવસ્થા પર જ સવાલ ઉઠાવ્યા છે. પૂર્વ નાણા મંત્રીએ કહ્યુ કે કોંગ્રેસ પાર્ટી આ વાત સ્પષ્ટ કરવા માંગે છે કે દેશમાં વર્તમાન સમયમાં જે જીએસટી વ્યવસ્થા લાગુ છે તે જીએસટી નથી જેને કોંગ્રેસ પાર્ટી અમલમાં લાવવા માંગતી હતી.
વર્તમાનમાં જે જીએસટી કાયદો દેશમાં લાગુ છે તે ત્રુટિપૂર્ણ, દોષપૂર્ણ અને અસ્થિર છે. આ કાયદામાં કેટલીક ખામી છે. વર્તમાન વ્યવસ્થામાં સરકારે હજારો કાર્યકારી આદેશ જાહેર કરવા પડે છે.