ક્રિપ્ટોકરન્સીમાં જોવા મળેલા મોટા કડાકાને કારણે રોકાણકારોને જંગી નુકસાન બાદ હવે ભારતીય રોકાણકારોને વધુ એક મોટો ઝટકો લાગ્યો છે. જો ભારતીય રોકાણકારો પણ ક્રિપ્ટો એક્સચેન્જ વોલ્ડ મારફતે ટ્રેડિંગ કરતા હોય તો હવે તેઓ ટ્રેડિંગ નહીં કરી શકે. વાસ્તવમાં સિંગાપોર સ્થિત ક્રિપ્ટો એકસચેન્જ વોલ્ડે હવે તેના પ્લેટફોર્મ પર ટ્રેડિંગ સસ્પેન્ડ કરવા ઉપરાંત રોકાણકારો દ્વારા તેમના ખાતામાંથી જમા-ઉપાડ પર પણ પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લીધો છે.
સિંગાપોર ખાતે ક્રિપ્ટો એક્સચેન્જનું મુખ્ય કાર્યાલય હોવા છતાં તેનો મોટા ભાગનો બિઝનેસ ભારતથી જ ઓપરેટ થતો હોવાથી હવે ટ્રેડિંગ સસ્પેન્ડ કરાતા મોટા પાયે ભારતીય રોકાણકારોના પૈસા ફસાયા છે. આ પાછળનું કારણ એ છે કે, તાજેતરમાં વૈશ્વિક સ્તરે માર્કેટમાં વોલેટિલિટી વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં પણ તોતિંગ કડાકો બોલી ગયો હતો જેને કારણે રોકાણકારોને મોટું નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો અને આ નુકસાનને રોકવા માટે રોકાણકારો પોતાનું રોકાણ પાછું ખેંચી રહ્યા હતા જેને કારણે હવે જમા-ઉપાડ પર પ્રતિબંધ મૂકાયો છે. આપને જણાવી દઇએ કે, જૂન બાદથી રોકાણકારોએ આ ક્રિપ્ટો એક્સચેન્જમાંથી 19.77 કરોડ ડોલરથી પણ વધુ નાણાં ઉપાડ્યા છે.
આ અંગે વાત કરતા કોઇનબેસ સપોર્ટેડ ભારતીય ક્રિપ્ટો એક્સચેન્જ અનુસાર, ક્રિપ્ટોકરન્સીમાં જંગી કડાકા અને ભારતમાં નિયમો વધુ સખત બનતા ટ્રેડિંગ વોલ્યૂમને પણ મોટા પાયે અસર થઇ છે. તેને કારણે ખાસ કરીને નાણાકીય સંકટ પેદા થયું છે. હવે આ નુકસાનને અંકુશમાં રાખવા માટે ક્રિપ્ટો એક્સચેન્જ પ્લેટફોર્મ પર અત્યારે ટ્રેડિંગ, વિથડ્રોઅલ, ડિપોઝિટ સહિતની પ્રોસેસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
કર્મચારીઓની કરી હતી છટણી
આપને જણાવી દઇએ કે વોલ્યૂમને થયેલા નુકસાન અને ક્રિપ્ટોકરન્સીમાં કડાકા બાદ વોલ્ડે ગત મહિને પોતાના 30 ટકા કર્મચારીઓની છટણી કરી હતી. તે ઉપરાંત વરિષ્ઠ અધિકારીઓના પગારમાં પણ 50 ટકાનો કાપ મૂક્યો હતો.