અસેસમેન્ટ યર 2022-23 માટે હવે કરદાતાઓ ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ઇનકમ ટેક્સ રિટર્ન ભરી શકે છે. જો કે અનેક લોકો હજુ પણ આઇટી રિટર્ન જાતે ભરવા માટે જરૂરી દસ્તાવેજોની જાણકારી અંગે અસમંજસમાં રહે છે. તમે જ્યારે ઇ-ફાઇલિંગ પોર્ટલ પર ઑનલાઇન આઇટીઆર દાખલ કરો છો તો તમને ત્યાં બે ફોર્મમાંથી કોઇ એક વિકલ્પ પસંદ કરવાનો વિકલ્પ મળશે. આઇટીઆર ફોર્મ-1 અને આઇટીઆર-4.
મોટા ભાગના કરદાતાઓ આ જ ફોર્મનો ઉપયોગ કરીને પોતાનો ટેક્સ ભરે છે. આ ફોર્મમાં મોટા ભાગના જાણકારીઓ પહેલાથી જ ભરેલી હોય છે જેને કારણે કરદાતાઓ માટે આઇટીઆર ભરવું સરળ બની જાય છે. તે ઉપરાંત ખોટી જાણકારીની ખરાઇ કરીને તેને સાચી પણ કરવાની હોય છે.
આઇટી રિટર્ન ભરવા માટે આ દસ્તાવેજ આવશ્યક
ઇ-ફાઇલિંગ પોર્ટલ પર આઇટીઆર ભરવા માટે તમારી પાસે પાન કાર્ડ, આધાર કાર્ડ, ફોર્મ-16, બેંક એકાઉન્ટ તેમજ રોકાણની વિગતો, ઇનકમ પ્રૂફ જેવા દસ્તાવેજો હોવા જરૂરી છે. તે ઉપરાંત આઇટીઆર ફાઇલ કરવા માટે પાન અને આધાર કાર્ડ લિંક હોવું જરૂરી છે. કરદાતાનું ઇમેલ આઇડી પણ ઇનકમ ટેક્સ વિભાગ પાસે રજિસ્ટર્ડ હોવું જરૂરી છે.
ITR-1 ફોર્મ કોને ભરવાનું રહેશે?
આ ફોર્મ એ લોકોને ભરવાનું રહે છે જેનું વેતન, પ્રોપર્ટી, વ્યાજ તેમજ કૃષિથી થયેલી આવક મળીને કુલ આવક 50 લાખ રૂપિયા સુધી હોય. તેમાં તમારી સેલેરી, હાઉસ પ્રોપર્ટીથી થતી કમાણી, વ્યાજ અને ડિવિડન્ડથી થતી આવકની જાણકારી પણ રજૂ કરવી પડે છે. આ ઉપરાંત પણ કોઇ અન્ય સ્ત્રોતથી તમે કમાણી કરો છો તો આ ફોર્મનો ઉપયોગ નહીં કરી શકો.
ITR-4 ફોર્મ કોને ભરવાનું રહેશે?
તમે વ્યક્તિગત, એચયૂએફ અને ફર્મ (એએલપી સિવાયની) છે અને આપની વાર્ષિક આવક 50 લાખ રૂપિયાથી વધુ છે અને તમારી આવક સેક્શન 44એડી, 44એડીએ અથવા 44એઇની ગણના અનુસાર બિઝનેસ અને પ્રોફેશનથી થઇ છે તો તમારે આઇટીઆઇર ફોર્મ 1 નહીં ભરવાનું રહે. તમારે આઇટીઆર ફોર્મ-4ને પસંદ કરીને આઇટીઆર ભરવાનું રહેશે.