આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ વિશે આપણે અવારનવાર ઘણું બધું સાંભળીએ છીએ, પરંતુ તેના ઉપયોગ વિશે બહુ સ્પષ્ટતા હોતી નથી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમને જો બહુ વ્યાપક પ્રમાણમાં ડેટા પૂરો પાડવામાં આવે તો તે આ ડેટામાંથી પોતાની રીતે તારણો તારવી શકે છે અને તેના આધારે જાતે નિર્ણયો પણ લઈ શકે છે.
હમણાં અમેરિકામાં એઆઇના આવા એક સ્પષ્ટ ઉપયોગ વિશે સમાચાર બહાર આવ્યા છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ શિકાગોના નિષ્ણાત ઇશાનુ ચટોપાધ્યાય અને તેમના સાથીઓએ શિકાગોમાં વર્ષ 2014થી 2016 દરમિયાન બનેલા ગુનાઓનો ડેટા એકઠો કર્યો અને તેનું એનાલિસિસ કરે તેવું એક એઆઇ મોડેલ તૈયાર કર્યું. એ પછી 2016 પછીના સમયમાં ક્યા ગુનાઓ બની શકે છે તેની આગાહી આ એઆઇ મોડેલથી કરી.
આ પછી 2016 પછીના સમયમાં શિકાગોમાં જે ગુનાઓ ખરેખર નોંધાયા હતા તેને એઆઇ મોડેલની આગાહીઓ સાથે સરખાવવામાં આવ્યા. એઆઇ મોડેલમાં સમગ્ર શહેરને 300 ચોરસ મીટરનાં ચોકઠાંઓમાં વહેંચી નાખવામાં આવ્યું હતું. એઆઈ મોડેલે 90 ટકાની ચોકસાઈ સાથે ક્યા ચોકઠામાં ક્યા પ્રકારનો ગુનો થશે એની એક અઠવાડિયા પહેલાં આગાહી કરી બતાવી હતી!
આ પછી આ એઆઇ મોડેલમાં અમેરિકાનાં અન્ય 7 મોટાં શહેરોનો ગુનાખોરીનો ડેટા ફીડ કરવામાં આવ્યો, તેના આધારે મોડેલને ટ્રેઇન કરવામાં આવ્યું અને પછી ગુનાઓની આગાહી કરવામાં આવી. આ શહેરોમાં પણ શિકાગો જેવાં જ પરિણામો મળ્યાં. ઇશાનું ચટોપાધ્યાયે તેમના રિસર્ચનો ડેટા અને તેમણે ઉપયોગમાં લીધેલ અલ્ગોરિધમ જાહેર કર્યું છે, જેથી અન્ય સંશોધકો તેનાં પરિણામો તપાસી શકે.
જો ટેકનોલોજી ભારત જેવા દેશોમાં ઇમ્પિમેન્ટ થાય તો વિચારો કે આપણ કેટલા ગુનાને કંટ્રોલ કરી શકીએ.. આવી ટેકનોલોજીથી એક શહેરમાં કેટલા ક્રાઇમ પર કંટ્રોલ આવી શકે એમ છે.. આપને જણાવી દઇએ કે હાલ આ પ્રોજેક્ટ પ્રાથમિક તબક્કામાં છે અને હજુ તેના પર રિસર્ચ કરવાનું બાકી છે.