વિશ્વની સૌથી મોટી, લોકપ્રિય અને જૂની ક્રિપ્ટોકરન્સી બિટકોઇનની કિંમતમાં ફરીથી તેજીનો તરખાટ જોવા મળી રહ્યો છે. આજે તેમાં ફરીથી 6 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો અને આ ઉછાળા સાથે તે ફરી એકવાર 22,000 ડોલરને પાર પહોંચી ચૂક્યો છે. બજેટ પછી બિટકોઇનમાં મોટો કડાકો બોલી ગયો હતો. હાલમાં તેની કિંમત 19,000 ડોલરથી પણ નીચે જોવા મળી હતી. જો કે છેલ્લા 15 દિવસમાં તેની કિંમતમાં 3000 ડોલરથી વધુની તેજી નોંધાઇ છે. આજે બપોરે 1 વાગ્યા સુધીમાં બિટકોઇન 3 ટકાના વધારા સાથે 22,270 ડોલર પર ટ્રેડ કરી રહી હતી.
બિટકોઇન 1 લાખ ડોલર સુધી જઇ શકે છે
ગત વર્ષે નવેમ્બર મહિનામાં બિટકોઇનની કિંમત 69,000 ડોલરના રેકોર્ડ સ્તરે પહોંચી હતી પરંતુ એ પછી તેમાં અંદાજે 70 ટકાની તેજી જોવા મળી છે. તેની વેલ્યૂ અત્યારે પણ કેટલાક વર્ષ પહેલાની તુલનામાં બેગણીથી પણ વધુ છે. જાણકારો અનુસાર આ વર્ષના અંત સુધીમાં બિટકોઇનની કિંમત 1 લાખ ડોલર સુધી જઇ સકે છે. અમેરિકામાં જૂન મહિનામાં મોંઘવારીના આંકડાઓ જાહેર થયા બાદ બિટકોઇનની કિંમતમાં તેજી જોવા મળી રહી છે. અમેરિકામાં જૂનમાં મોંઘવારી 41 વર્ષના રેકોર્ડ સ્તર પર પહોંચી ચૂકી છે અને માનવામાં આવી રહ્યું છે ફેડ રિઝર્વ તેને રોકવા માટે રેપો રેટમાં 1 ટકાનો વધારો કરી શકે છે.
કિંમતમાં આ ટ્રેન્ડ રહેશે
તાજેતરમાં જાહેર થયેલા ડોઇશ બેંકના એક રિપોર્ટ અનુસાર બિટકોઇનમાં એક ચતુર્થાંશ રોકાણકારોને આશા છે કે પાંચ વર્ષમાં બિટકોઇનની કિંમત 110,000 ડોલર સુધી જઇ શકે છે. ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં ભારે ઉતારચઢાવ સામાન્ય છે અને જાણકારો અનુસાર રોકાણકારોએ તેમાં રોકાણ કરતાં પહેલા સતર્કતા દાખવવી જોઇએ અને વિચાર કરીને રોકાણ કરવું જોઇએ. બિટકોઇને વર્ષો સુધી અનેક રોકાણકારોને શાનદાર રિટર્ન આપ્યું છે. આ જ કારણોસર હજુ પણ લોકો ક્રિપ્ટોકરન્સીમાં અન્ય કરન્સી કરતાં બિટકોઇન ખરીદવાને વધુ પ્રાધાન્ય આપે છે.