CAR INSURANCE CLAIM TIPS : લગભગ દરેક વ્યક્તિને એ તો ખબર જ હશે કે ઈન્સોયરન્સ એટલે કે વીમા વિના ડ્રાઇવિંગ કરવા માટે દંડ છે, પરંતુ શું તમે કાર વીમા સંબંધિત નાની મુશ્કેલીઓ વિશે જાણો છો? જેમ કે લોકો કારનો વીમો ખરીદે છે પરંતુ એવા ઘણા લોકો છે જેઓ જાણતા નથી કે કાર ચોરાઈ જાય તો વીમા કંપની પાસેથી પૈસા કેવી રીતે ક્લેમ કરવા.
આ વિશે સામાન્ય રીતે લોકો એવું વિચારે છે કે આમાં જાણવા જેવું શું છે? જો કાર ચોરાઈ ગઈ હોય તો પોલીસમાં એફઆઈઆર દાખલ કરો અને પછી એફઆઈઆરની કોપી વીમા કંપનીને આપો, કંપની પૈસા ચૂકવશે, જો તમને પણ એવું લાગતું હોય તો એવું નથી. આજે અમે તમને એ વિશે માહિતી આપવા જઈ રહ્યા છીએ કે કાર ચોરાઈ ગયા પછી તરત જ વીમાની રકમ શા માટે ક્લેમ કરી શકાતી નથી? અને વીમાની રકમનો દાવો કરવા માટે કેટલો સમય રાહ જોવી પડશે અને શા માટે?
જ્યારે પણ કોઈ વ્યક્તિની કાર ચોરાય છે, ત્યારે તેણે સૌથી પહેલા પોલીસમાં એફઆઈઆર નોંધાવવી પડશે. એફઆઈઆર નોંધાયા બાદ પોલીસ પાસે 180 દિવસનો સમય છે, જો પોલીસ 180 દિવસમાં પણ તમારી કાર શોધી શકતી નથી, તો પોલીસ રિપોર્ટ તૈયાર કરીને તમને રિપોર્ટ આપશે. આ રિપોર્ટમાં લખવામાં આવ્યું હશે કે કાર મળી નથી, હવે તમે વીમા કંપની પાસેથી પૈસાનો દાવો કરી શકો છો.
ટૂંકમાં 180 દિવસ પછી એટલે કે લગભગ 6 મહિના પછી, જે વ્યક્તિની કાર ચોરાઈ હતી તેણે એફઆઈઆરની નકલ અને 6 મહિના પછી પોલીસ તરફથી મળેલી રિપોર્ટ વીમા કંપનીને સબમિટ કરવી પડશે. આ જ કારણ છે કે તમે કાર ચોર્યા પછી તરત જ તેના માટે વીમા કંપની પાસેથી પૈસા ક્લેમ કરી શકતા નથી.
આ દસ્તાવેજોની જરૂર પડે
વીમો ક્લેમ કરવા માટે FIR અને રિપોર્ટ ઉપરાંત, કાર માલિકે ડ્રાઇવિંગ લાયસન્સ, વાહનની આરસી, પાન કાર્ડ અને આધાર કાર્ડ જેવા મહત્વપૂર્ણ દસ્તાવેજોની ફોટોકોપી પણ સબમિટ કરવાની રહેશે.
વીમા કંપનીને તમામ જરૂરી દસ્તાવેજો સબમિટ કર્યા પછી, કંપની તમારા બધા દસ્તાવેજોની ચકાસણી કરે છે અને પછી તેમને મંજૂરી આપે છે. અહીં એક વાત નોંધનીય છે કે આ કામમાં લગભગ 15 થી 30 દિવસનો સમય લાગી શકે છે.
જો લોન લીધેલી કાર ચોરાઈ જાય તો શું?
હવે તમારા મનમાં આ સવાલ ઉઠતો જ હશે કે જો કોઈની કાર પર લોન હોય અને કાર ચોરાઈ જાય તો આ સ્થિતિમાં શું થશે? આ સ્થિતિમાં બે લોકોને પૈસા મળે છે. પ્રથમ, લોનની રકમ બેંકને આપવામાં આવશે અને બીજું તે વ્યક્તિને પૈસા આપવામાં આવશે જેની કાર ચોરાઈ હતી. સાથે જ એ સમજવું અગત્યનું છે, તમારી કાર વીમા પૉલિસીમાં IDV (ઇન્શ્યોર્ડ ડિક્લેર્ડ વેલ્યુ) લખેલું છે. આ તે રકમ છે જે કારના માલિકને આપવામાં આવે છે જો કાર ચોરાઈ જાય, બળી જાય અથવા રિપેર ન થાય.