પૃથ્વીને માણસજાતે ખૂબ જ નુકસાન કર્યું છે. આવા નુકસાનના આંકડા અવારનવાર સામે આવતા હોય છે. તાજેતરમાં નાસા અને અમેરિકાની નેશનલ ઓસીયાનીક એન્ડ એટમોસ્ફિયરિક એડમિનિસ્ટ્રેશન દ્વારા થયેલી શોધમાં પૃથ્વીના તાપમાનમાંને લઈને ચોંકાવનારી બાબતો સામે આવી હતી. આ શોધમાં જાણવા મળ્યું હતું કે, 2005ની સરખામણીમાં હવે પૃથ્વી બે ગણી ઝડપે તપી રહી છે. જેના કારણે મહાસાગરો, હવા અને જમીન સતત ગરમ થાય છે. અગાઉ પૃથ્વીની ગરમી પકડવાની આ ઝડપનો અંદાજ નહોતો. શોધથી ખબર પડી કે, પૃથ્વી તાપમાન વધવા પાછળ માત્ર માનવીય ગતિવિધિઓ જવાબદાર નથી.
ગયા અઠવાડિયે જિયોફિઝિકલ રિસર્ચ લેટર્સમાં ધી અર્થ ઇઝ વોર્મિંગ ફાસ્ટર ધેન એક્સપેક્ટેડ શીર્ષક હેઠળ પ્રકાશિત થયેલા અધ્યયનમાં મુખ્ય લેખક અને નાસાના વિજ્ઞાનિક નોર્મન લોએબે કહ્યું હતું કે, તેની માત્રામાં વધારો થવાનો દર અભૂતપૂર્વ છે. પૃથ્વીના ઉર્જાના અસંતુલનને માપવા માટે સંશોધકોએ સેટેલાઇટ ડેટાનો ઉપયોગ કર્યો હતો. જે પૃથ્વીએ સૂર્યમાંથી ગ્રહણ કરેલી ઉર્જા અને તેને ફરી અંતરિક્ષમાં પાછા મોકલેલી ઉર્જાનો તફાવત હોય છે.
યુનિવર્સિટી એટ બુફૈલોના ક્લાઈમેટ વૈજ્ઞાનિક સ્ટુઅર્ટ ઇવાન્સનું કહેવું છે કે, જ્યારે અસંતુલન પોઝિટિવ હોય છે, ત્યારે પૃથ્વી ઓછી ગરમી ગુમાવે છે અને વધુ શોષણ કરે છે. જે ગ્લોબલ વોર્મિંગ તરફ પહેલું પગલું છે. તે પૃથ્વીએ ઉર્જા મેળવવાનો સંકેત છે.વર્ષ 2005ની સરખામણીએ 2019માં આ અસંતુલન લગભગ બમણું થઈ ગયું હોવાનું અધ્યયનમાં જાણવા મળ્યું છે. આ ઉર્જા ખૂબ વધુ પ્રમાણમાં હોવાનું નાઓના પેસિફિક મરીન એન્વાયર્નમેન્ટ લેબોરેટરીના ઓસીયોનોગ્રાફર અને અભ્યાસના સહ-લેખક ગ્રેગરી જોનસન કહે છે. તેમણે દાખલો આપ્યો કે, આ ઉર્જા હિરોશિમા પર છોડેલા અણુ બોમ્બના એક સેકંડમાં ચાર વિસ્ફોટ સમાન છે. અથવા એમ સમજો કે પૃથ્વી પરના દરેક વ્યક્તિ એક સમયે એક સાથે ચાની વીસ ઇલેક્ટ્રિક કિટલીનો ઉપયોગ કરે તેટલી ઉર્જા થાય. આ સંખ્યાને મગજમાં રાખવી ખૂબ જ મુશ્કેલ છે.
સૂર્ય પાસેથી પૃથ્વી ચોરસ મીટર દીઠ આશરે 240 વોટ ઉર્જા લે છે. 2005માં અભ્યાસની શરૂઆતમાં આપણો ગ્રહ પ્રતિ ચોરસ મીટર 239.5 વોટના દરે ઉર્જા છોડતો હતો. જેના કારણે અડધા વોટ પોઝિટિવ અસંતુલન સર્જાઇ રહ્યું હતું. પરંતુ વર્ષ 2019ના અંતમાં આ તફાવત લગભગ બમણો એટલે કે, એક ચોરસ મીટર દીઠ એક વોટ જેટલો થઈ ગયો છે.સમુદ્ર ગરમીનું મહત્તમ 90 ટકા જેટલા શોષણ કરે છે. જ્યારે સંશોધનકારોએ સેટેલાઇટના ડેટાની સરખામણી સમુદ્ર સેન્સર સિસ્ટમ્સે આપેલા તાપમાન સાથે કરી હતી. જેમાં પણ તેમને આવા જ પરિણામ મળ્યા હતા. ડેટાના બંને સેટ્સ અપેક્ષા કરતા વધુ સમાન હોવાનું બહાર આવ્યું હતું. જે અસંતુલનના પરિણામોની સ્પષ્ટ પુષ્ટિ કરતા હતા.સૂર્યમાંથી આવતા વિકિરણોને પ્રતિબિંબિત કરતા વાદળો અને સમુદ્રી હિમ ઓછા થઈ જવાના કારણે આવું થયું હોવાના સંકેત અધ્યયનમાં મળ્યા છે. આ ઉપરાંત મિથેન, કાર્બન ડાયોક્સાઇડ જેવા ગ્રીનહાઉસ ગેસ અને પાણીની વરાળનો વધારો પણ વધારે ગરમી એકઠી થવાના પરિબળો છે. જેના કારણે આ અસંતુલન વધી રહ્યું છે. સંશોધકોનું કહે છે કે, આ બદલવામાં માનવ ગતિવિધિના પ્રભાવને અલગ કરવો મુશ્કેલ છે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
કૃણાલ શેઠ, મો. 9427535268