નોંધનીય છે કે ગુજરાત સરકાર દ્વારા કોરોનાની મહામારીને અંકુશમાં લેવા માટે 20 મે સુધી લોકડાઉન જાહેર કરવામાં આવ્યું હતું. આજે લોકડાઉન પૂરું થવાનો છેલ્લો દિવસ છે. જો સરકાર દ્વારા હવે લોકડાઉન લંબાવવામાં આવશે તો વેપારીઓને આપઘાત કરવાનો વખત આવશે. જેથી, લોકડાઉન ન લંબાવવા માટે વડોદરાના વેપારી એસોસિયેશને માગણી કરી છે. આજે લોકડાઉનના છેલ્લા દિવસે વડોદરાના વેપારીઓ રાવપુરા ખાતે એકઠા થયા હતા અને હવે લોકડાઉન ન લંબાવવા માટે સરકાર સમક્ષ માગણી કરી હતી. વેપારીઓએ ધંધા-રોજગાર ચાલુ કરવાની માગણી સાથેના સૂત્રોચ્ચાર પણ કર્યાં હતા.
કોરોના સંક્રમણ અટકાવવા માટે માત્ર વેપાર-ધંધા બંધ કરાવવા યોગ્ય નથી. આજે લોકડાઉનનો છેલ્લો દિવસ છે, ત્યારે સરકાર દ્વારા લોકડાઉનને વધારવામાં ન આવે તેવી અમારી માગણી છે.વડોદરા ફ્રૂટ એન્ડ મર્ચન્ટ એસોસિયેશનના સેક્રેટરી ભરતભાઇ ચૌહાણે જણાવ્યું હતું કે, છેલ્લા 23 દિવસથી વેપાર-ધંધા બંધ કરાવવામાં આવ્યા છે. વેપાર-ધંધા બંધ હોવાના કારણે નાના-મોટા વેપારીઓની હાલત કફોડી બની ગઇ છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, જો સરકાર દ્વારા હજુ પણ લોકડાઉન લંબાવવામાં આવશે તો વેપારીઓને પંખા પર લટકીને અથવા તળાવમાં કૂદકો મારીને આપઘાત કરવા સિવાય કોઈ વિકલ્પ બચશે નહીં.
છેલ્લા 23 દિવસથી વેપાર-ધંધા બંધ હોવાના કારણે રોજેરોજ વેપાર કરીને ગુજરાન ચલાવતા નાના વેપારીઓની હાલત કફોડી બની ગઈ છે.જો સરકાર દ્વારા લોકડાઉન લંબાવવામાં આવશે તો આપ શું કરશો તેવા એક પ્રશ્નના જવાબમાં વેપારી એસોસિયેશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, સ્પ્રિંગ જેટલી દબાય તેટલી સારી છે. જો સ્પ્રિંગ છટકશે તો સરકારને નુકસાન ભોગવવું પડશે, એટલે કે વેપારીઓને નછૂટકે સવિનય કાનૂન ભંગ કરીને પોતાના વેપાર ધંધા ચાલુ કરવાની ફરજ પડશે.
શાંતિશ્રમ વેબસાઇટ પર આપની જાહેરાત માટે
સંપર્ક
અશોક શેઠ મો.9426488188
કૃણાલ શેઠ, મો. 9427535268