આજે સવારે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી ઉના તાલુકાના ગરાળ ગામે પહોંચ્યા હતા મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી રાજ્યમાં તાઉતે વાવાઝોડાથી પ્રભાવિત જિલ્લાના અંતરિયાળ ગામોની જાત-મુલાકાત લઇને આ વાવાઝોડાને કારણે થયેલી નુકસાની અને ગામની સ્થિતિનો ક્યાસ મેળવી રહ્યા છે.અને ગામના સરપંચ મોંઘીબેન સોલંકી તથા ગ્રામજનો પાસેથી તેમણે તાઉતે વાવાઝોડાને કારણે ગામમાં સર્જાયેલી સ્થિતિની માહિતી મેળવી હતી . અસરગ્રસ્ત ગ્રામ જનો સાથે સંવાદ કરીને આ આપદામાં રાજ્ય સરકાર તેમની પડખે હોવાનો સધિયારો આપ્યો હતો.
16 અને 17મી મે એ સ્થળાંતર થયેલા લોકોને રાજ્ય સરકાર સાત દિવસની કેશડોલ ચૂકવશે ..મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સોશિયલ મીડિયા પરથી પ્રજાને સંબોધતી વખતે વાવાઝોડાના કારણે સ્થળાંતર થયેલાઓને આજથી કેશડોલ ચૂકવવાની પણ જાહેરાત કરી છે. . પુખ્ત વયના વ્યક્તિને 100 રૂપિયા અને બાળકોને રૂ. 60 પ્રતિ દિવસ ચૂકવવામાં આવશે. આ ઉપરાંત આજ સાંજ સુધીમાં વીજ પુરવઠો હોય કે ટ્રાન્સપોર્ટેશન સેવા, મોબાઇલ ટાવર અને રસ્તાઓ જે પણ સેવાઓ અને ગતિવિધિઓ બંધ છે તમામ સેવાઓ પૂર્વવત થઇ જશે, તેવો રૂપાણીએ દાવો કર્યો છે.
મૃતકોના પરિજનોને કેન્દ્ર સરકાર તરફથી 2 લાખ બાદ હવે ગુજરાત સરકાર તરફથી પણ ચાર લાખની સહાય મળશે એટલે કે રાજ્યમાં વાવાઝોડાથી મૃત્યુ પામેલા વ્યક્તિઓના વારસદારોને કુલ 6 લાખની સહાય મળશે. આ ઉપરાંત વાવાઝોડામાં ઇજા પામેલા લોકોને રાજ્ય સરકાર પણ 50 હજારની સહાય કરશે. કેન્દ્ર સરકાર તરફથી 50 હજાર અને રાજ્ય સરકાર તરફથી 50 હજાર એમ વાવાઝોડાથી ઇજાગ્રસ્ત થયેલા લોકોને કુલ 1 લાખની સહાય મળશે.આમ વાવાઝોડામાં મૃત્યુ પામનાર નાગરિકોના પરિવાર માટે કેન્દ્ર બાદ હવે રાજ્ય સરકારે પણ સહાય જાહેર કરી છે.